ચંદ્રયાન-ટુને ચંદ્ર પર પાણીના કણોની હાજરીના પુરાવા મળ્યા

ઇસરોના વૈજ્ઞાાનિકોને જબરજસ્ત સફળતા મળી છે. ઇસરોના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-ટુએ ચંદ્ર પર પાણીના કણોની હાજરી શોધી કાઢી છે, એમ મિશનને મળેલા આંકડા પરથી જાણવા મળ્યું છે. ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન એ એસ કિરણકુમાર દ્વારા સંયુક્ત રીતે લખાયેલા લેખમાં જણાવાયું હતું કે ચંદ્રયાન-ટુના પેલોડ પરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) દ્વારા આ ડેટા મેળવવામાં આવ્યો છે.

ચંદ્રયાનના આર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) તરફથી મોકલવામાં આવેલા આંકડા તથા ચિત્રોના વિશ્લેષણ પછી ચંદ્રની સપાટી પર હાઇડ્રોક્સિલ (વોટર મોલેક્યુલ્સ) તેમજ એચટુઓ (પાણી) હોવાની સાબિતી મળી છે. આ અભ્યાસ ચંદ્રના રહસ્યો ઉકેલવામાં જોતરાયેલા સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિકો માટે મોટો આધાર બની શકે છે.

વર્ષ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન મિશનમાં યાનના લેન્ડર તેમજ રોવર ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે નુકસાન પામ્યા હતા, પરંતુ આર્બિટર હજી પણ ચંદ્રની ઉપર પરી રહ્યું છે. આર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર દ્વારા જે આંકડા મળી રહ્યા છે તેનું વિશ્લેષણ દહેરાદૂન સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ રિમોટ સેન્સિંગ (આઇઆઇઆરએસ) સહિત દેશના જુદા-જુદા વિજ્ઞાાનીઓ કરી રહ્યા છે.

આઇઆઇઆરએસના ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણના જણાવ્યા મુજબ ચંદ્ર પર પાણીના સંકેત ૨૯ ડિગ્રી નોર્થથી લઈને ૬૯ ડિગ્રી ઉત્તરની વચ્ચે મળ્યા છે. આ ક્ષેત્રમાં સૂરજનો પ્રકાશ પડે છે અને ત્યાં જ પાણીના સંકેત મળ્યા છે. પાણીની ઉપલબ્ધતાની દિશામાં સ્પેસ વેધરિંગ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ એક પ્રક્રિયા હોય છે, જ્યારે સૌર હવા ચંદ્રની સપાટીને સ્પર્શે છે. તેની સાથે આ પ્રક્રિયાના કેટલાક અન્ય કારક જુદા-જુદા રાસાયણિક ફેરફાર કરી પાણીનું સર્જન કરે છે.

ચંદ્રયાન મિશન-૧ દરમિયાન પાણીના સંકેત મળ્યા હતા. તે સમયે પાણીની વધારે ઉપલબ્ધતાનું અનુમાન ન હતું. હાલના અભ્યાસથી ખબર પડે છે કે ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતા 800થી 1000 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) જોવાઈ છે. આર્બિટર પાસેથી મળતા આંકડાઓનું અવિરત વિશ્લેષણ જારી છે. તેથી આશા છે કે નજીકના ભવિષ્યમાં ચંદ્ર અંગેના કેટલાય રહસ્યોની ખબર પડશે.