ગુઆંગઝૂ, પાકિસ્તાન અને ચીન વચ્ચેની ’એવરગ્રીન ફ્રેન્ડશિપ’ હવે પહેલા કરતા વધુ ઉબડખાબડ દેખાઈ રહી છે. કોઈપણ સંબંધની સફળતા પરસ્પર વિશ્ર્વાસ અને આદર પર આધારિત છે. આ બે લક્ષણો વિના કોઈ સંબંધ લાંબો સમય ટકી શક્તો નથી.
પાકિસ્તાન અને ચીન વચ્ચે મિત્રતાના સંબંધો ખાટા થઇ રહ્યા છે. ચીન હમેશા અવળચંડાઇ કરે છે જે સૌ કોઇ જાણે છે. તેવામાં ચીનના અધિકારીઓ દ્વારા ગુઆંગઝૂ પ્રાંતમાં ૧૨થી વધુ પાકિસ્તાની નાગરિકોને બહાર નીકળવા અને પ્રવેશના કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. જો કે બંને સરકારો આ ઘટના વિશે મૌન જાળવી રહી છે, ચીન અને પાકિસ્તાન દેશો વચ્ચે ભૂતકાળમાં ઘણી વખત ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાનની કથળતી સુરક્ષા સ્થિતિ ચીન માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે, જ્યારે તેની નાણાકીય કટોકટીએ બેઈજિંગના જંગી રોકાણને જોખમમાં મૂક્યું છે. પાકિસ્તાનના વિવિધ આતંકવાદી જૂથો અવારનવાર ત્યાં કામ કરતા ચીની નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૩ માં, ૨૩ ચીની એન્જિનિયરોને બેઇજિંગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા ગ્વાદર પોર્ટ પર લઈ જતા ૭ વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે કાફલામાં કોઈને ઈજા થઈ ન હતી.
પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે એક કઠોર શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની સત્તાવાળાઓને આ હુમલાની સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવવાનું આહ્વાન કર્યું જેથી આવી ઘટનાઓ ફરી ન બને. આવી જ એક ઘટના એપ્રિલ ૨૦૨૨ માં બની હતી, જ્યારે કરાચી યુનિવર્સિટી ની કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેતી વખતે ત્રણ ચીની વિદ્વાનો માર્યા ગયા હતા. ત્યારપછી એક મહિલા આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પાકિસ્તાનમાં કથળતી સુરક્ષા અને નાણાકીય પરિસ્થિતિથી ચીન સ્પષ્ટપણે ચિંતિત દેખાય છે.
ફેબ્રુઆરી ૨૦૨૩ માં, ચીનના વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર વિભાગે પાકિસ્તાનમાં તેના નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ દેશમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા જોખમમાં હોઈ શકે છે. તરત જ, ચીને જાહેરાત કરી કે તે તકનીકી સમસ્યાઓ ને કારણે પાકિસ્તાનમાં તેના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગને અસ્થાયી રૂપે બંધ કરી રહ્યું છે. હવે, પાકિસ્તાનના ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડાર અને જંગી ઉર્જા સંકટ સાથે, તેનો ’સદાબહાર’ મિત્ર તેના પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા માટે ચિંતિત છે.