નવીદિલ્હી, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ૨૧ ઓકટોબરના રોજ ગગનયાન મિશનનું પહેલું ટેસ્ટ લોન્ચ કરશે.
આવતા વર્ષના અંત સુધીમાં માનવ અંતરીક્ષ ઉડાન દરમિયાન ભારતીય અંતરીક્ષ યાત્રીઓને લઇ જનાર ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવા માટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ લાઇટ (ટીવી-ડી૧) હાથ ધરવામાં આવશે.
મંત્રી જિતેન્દ્ર સિંહે ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ મિશનમાં સામેલ ઇસરોના એન્જિનિયર્સના અભિનંદનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પરીક્ષણમાં મોડ્યુલને બહારના અંતરીક્ષમાં લોન્ચ કરવા, તેને પૃથ્વી પર પરત લાવવા અને બંગાળની ખાડીમાં ઉતાર્યા બાદ તેને પુન:પ્રાપ્ત કરવાનું સામેલ છે. તેમણે જણાવ્યું કે નૌસેનાએ મોડ્યુલને પુન: પ્રાપ્ત કરવા માટે મોક ઓપરેશન પહેલેથી જ શરૂ કરી દીધા છે.
જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂ મોડ્યુલની સાથે ટીવી-ડી૧ ક્રુ એસ્કેપ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવશે, જે અવકાશયાનને અવકાશમાં ચડતી વખતે કોઈ સમસ્યા આવે તો ક્રૂને પૃથ્વી પર પરત લાવશે. મંત્રીએ કહ્યું કે પરીક્ષણની સફળતા પહેલા માનવરહિત ગગનયાન મિશન અને આખરમાં નીચલી પૃથ્વીની બહારની કક્ષામાં બહારના અંતરીક્ષ માટે માનવયુક્ત મિશન માટે પ્લેટફોર્મ તૈયાર કરશે.