ગાંધીગ્રામમાં આઇસ્ક્રીમના ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા, ૭ હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો ઝડપાયા

ખાણીપીણીના શોખીન રાજકોટવાસીઓ સાવધાન રહે. મલાઇમાંથી બનતી ચીજવસ્તુઓ તમારું આરોગ્ય જોખમમાં મૂકી શકે છે. રાજકોટમાંથી નવરાત્રિના તહેવારો પહેલા ફરી એક વખત અખાદ્ય જથ્થો ઝડપાયો છે.

આરોગ્ય વિભાગે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.જે દરમિયાન અધધધ 7 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 20 લાખ રૂપિયા જેટલી છે.

આ મલાઇનો જથ્થો ત્રણ કે છ મહિના પહેલા જ એક્સપાયર થઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.ધર્મેન્દ્રસિંહ ચાવડાએ રવિરાજ આઈસ્ક્રીમમાં કોલ્ડ સ્ટોરેજ કર્યો હતો. અને આ મલાઇ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસની હોવાનું સામે આવ્યું છે.

રફાળા ગામે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન આ મલાઇનું ઉત્પાદન થયું હોવાનો ખુલાસો થયો છે.આ મલાઇમાંથી ઘી, ચીઝ અને બટર સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તો જંક ફૂડમાં પણ તેનો ખૂબ ઉપયોગ થાય છે. ત્યારે હવે તંત્ર દ્વારા રવિરાજ આઇસ્ક્રીમના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પહેલા માવો અને હવે મલાઇમાં ભેળસેળિયા તત્વોને જાણે કે કાયદાનો કે સજાનો કોઇ ડર જ ન હોય તેમ બેરોકટોક રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.ગાંધીગ્રામના રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાંથી 7 ટન અખાદ્ય મલાઇનો જથ્થો ઝડપાયો છે.

આ પહેલા ગત સપ્તાહે જ મોરબી રોડ પરની સીતારામ ડેરીના સ્ટોરેજમાંથી સાડા ચાર ટન અખાદ્ય માવાનો જથ્થો ઝડપાયો હતો. જેને વેજીટેબલ ઓઇલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો.

અખાદ્ય માવો કે મલાઇ શહેરના અલગ અલગ કેટરર્સના ધંધાર્થી અને ડેરી ફાર્મમાં પહોંચે છે. પરંતુ સવાલ એ છે કે ભેળસેળિયા તત્વો સામે કેમ નથી કરાતી કડક કાર્યવાહી ? તંત્ર મામૂલી દંડ ફટકારીને કેમ સંતોષ માની લે છે ?