દાહોદ જીલ્લામાં સ્વચ્છતા અભિયાન માટે આરોગ્ય વિભાગ સજ્જ

  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સ્વચ્છ રાખી લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કરતા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત.
  • જીલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવવાની નેમ સાથે સ્વચ્છતા ઇવેન્ટના આયોજન સાથે સઘન કામગીરી કરવામાં આવશે.

દાહોદ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના-8 અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

જે અંતર્ગત દાહોદ જીલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા જીલ્લા આરોગ્ય વિભાગ સજ્જ હોવાનું અને આ માટે ખાસ આયોજન કરી રહ્યું હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત એ જણાવ્યું છે સાથે અર્બન હેલ્થ સેન્ટર દાહોદ ખાતે સ્વચ્છતા અભિયાન માં તમામ સ્ટાફ સાથે સ્વચ્છતા કરી અને કાયમ માટે દરેક જગ્યાએ સ્વચ્છતા જળવાય રહે તે માટે આહ્વાન કર્યું. સમગ્ર રાજ્યની સાથે દાહોદ જીલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનને વેગ મળે જનભાગીદારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા હી સેવા સંકલ્પને સાર્થક કરી શકાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે.

જીલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સ્વચ્છતા અભિયાનમાં દરેક અધિકારી અને કર્મચારીઓ જોડાઈને સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપશે સાથે જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત એ લોકોને પણ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

આ અભિયાનમાં દાહોદ તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણ્યા,અર્બન હેલ્થ સેન્ટરના ડો ઓ સહિત નર્સિંગ સ્ટાફ વગેરે જોડાયા હતા.