ઝાલોદ, ઝાલોદ તાલુકાના વરોડ ગામે વાહનની ટકકરે પગપાળા શાકભાજી લેવા ગયેલા વ્યકિતનુ મોત નીપજયું હતુ. અકસ્માત કરી ગાડી લઈને નાસી ગયેલા અજાણ્યા ચાલક સામે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ઝાલોદ તાલુકાના વરોડ ગામના કમલેશભાઈ રાજસીંગભાઈ સોલંકી વરોડ સ્ટેશન બાજુ પગપાળા શાકભાજી લેવા જતા હતા તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી જીજે-06-પીએચ-9969 નંબરની ગાડીના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કમલેશભાઈને ટકકર મારી નીચે પાડી દઈ ગાડી ઉભી રાખી હતી. આ દરમિયાન આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતા ચાલક પોતાની ગાડી લઈને ટોલનાકા બાજુ ભાગી ગયો હતો. અકસ્માતમાં કમલેશભાઈને માથામાં બંને હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચતા લીમડી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે દાહોદ રિફર કરવામાં આવતા રસ્તામાં મોત નીપજયું હતુ. દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર તબીબે કમલેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સંદર્ભે મૃતકના ભાઈ જેસીંગભાઈ રાજસીંગભાઈ સોલંકીએ અકસ્માત સર્જી ભાગી છુટનાર અજાણ્યા ચાલક સામે લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.