નવીદિલ્હી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અપેક્ષિત કરતાં વધુ હોવાનો ઉલ્લેખ કરીને ૬.૧% થી વધારીને ૬.૩% કર્યો છે.આઇએમએફ દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર ભારતના ડેટામાં કરવામાં આવેલા ઘણા ફેરફારોમાં નવીનતમ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાન મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ભારતનો વિકાસ દર ૬.૫%ની આસપાસ રહી શકે છે. ૨૦૨૫ માટે વૃદ્ધિ અનુમાન ૬.૩% પર યથાવત રાખવામાં આવ્યું છે.આઇએમએફ અનુસાર, ભારત આવનારા સમયમાં સૌથી ઝડપથી વિક્સતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.
આઇએમએફએ મંગળવારે વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું કે ભારતનો વિકાસ દર મજબૂત રહેશે. ૨૦૨૩ અને ૨૦૨૪માં તે ૬.૩% રહેવાનો અંદાજ છે. આ એપ્રિલથી જૂન-ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારા વપરાશના આંકડાને કારણે છે. આઇએમએફએ તેની તાજેતરની આગાહીમાં પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો સમાવેશ કર્યો નથી.
ભારતીય અર્થવ્યવસ્થાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પાછલા વર્ષની સરખામણીમાં ૭.૮ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.આઇએમએફ દ્વારા ભારતના વિકાસ અનુમાનમાં તાજેતરનો વધારો એપ્રિલમાં કરવામાં આવેલા તેના અંદાજ કરતાં ૦.૪% વધુ છે. વિશ્ર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ભારતનો વિકાસ દર ૬.૩ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.