શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના અલશીપોરામાં આજે વહેલી સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સોમવારે મોડી રાત્રે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેનો ભારતીય સુરક્ષા દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસે પુરી તાકાતથી સામનો કર્યો હતો. કાશ્મીર પોલીસ ઝોને એક્સ પર પોસ્ટ દ્વારા અલ્શીપોરામાં એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એન્કાઉન્ટર બાદ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કુલગામ જિલ્લામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
ગયા બુધવારે એટલે કે ૪ ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આવી માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ અને સાકિબ અહેમદ લોન તરીકે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંને કુલગામ જિલ્લાના રહેવાસી છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે અથડામણ દિવસ દરમિયાન શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કુજ્જરમાં આતંકવાદીઓની હાજરી અંગેની સૂચનાને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.તેમણે કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેનો અસરકારક જવાબ આપવામાં આવ્યો. પ્રવક્તાએ કહ્યું કે આ પછી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા અને સ્થળ પરથી તેમના મૃતદેહ મળી આવ્યા.
આતંકવાદીઓ પાસેથી ઘટનાસ્થળેથી ગુનાહિત દસ્તાવેજો, હથિયારો અને કારતૂસ અને એકે શ્રેણીની બે રાઈફલો મળી આવી છે. કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે તેને મોટી સફળતા ગણાવી અને પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા.