તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, ૯ લોકોના મોત

તમિલનાડુના અરિયાલુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયકંર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટના તિરુમાનુર વિસ્તારમાં બની હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફટાકડાના કારખાનાના માલિક રાજેન્દ્રન અને તેના અન્ય સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. જોકે, કારખાનેદારે ફટાકડા બનાવવા માટે વહીવટીતંત્ર પાસેથી લાયસન્સ લીધું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીની અંદર 23 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફટાકડામાં કેમિકલ ભેળવતા કર્મચારીઓએ આ કામ માટે કોઈ તાલીમ લીધી ન હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે નવ લોકોના મોત થયા છે તેમાં ત્રણ મહિલાઓ છે.

ફટાકડાના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ફેક્ટરીની ચારે તરફ ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાંથી જ કોઈએ ફોન કરીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તે જ સમયે, માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવવામાં અગ્નિશમન દળને અઢી કલાકથી વધુ સમય લાગ્યો હતો.

દરમિયાન, આ ઘટના પર મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દરેક મૃતકોના પરિવારને 3 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, જેઓ આ દુર્ઘટનામાં સહેજ ઘાયલ થયા છે તેમને 50,000 રૂપિયા આપવામાં આવશે.