3 વર્ષની માસૂમને શિક્ષિકાએ મારી 35 ઝાપટ : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  • સાડા 3 વર્ષની બાળકીને મરાયો માર 
  • સાધના નિકેતન સ્કૂલની શિક્ષિકાએ બાળકીને માર્યો માર 
  • માસૂમ બાળકી જૂનિયર KGમાં કરે છે અભ્યાસ 
  • બાળકીને પૂછતા સમગ્ર મામલો આવ્યો બહાર 

સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા છે. 

બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો
મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારના કારગીલ ચોકમાં આવેલી સાધના નિકેતન સ્કૂલમાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતી માસુમ સાડા 3 વર્ષની બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. શિક્ષિકાએ એક બાદ એક એમ કુલ 35 જેટલાં ધબ્બા બાળકીને માર્યા હતા. જે બાદ બાળકીના ઘરે ગયા પછી કપડા બદલતી વખતે શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. જેથી વાલીએ બાળકીને નિશાન વિશે પૂછતા બાળકીને સમગ્ર હકીકત જણાવી હતી. 

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
જે બાદ બાળકીના વાલી લાલઘુમ થઈ ગયા હતા અને સીધા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સ્કૂલે પહોંચ્યા બાદ પ્રિન્સિપાલને આ ઘટના વિશે જણાવી હતી. શિક્ષિકાએ બાળકીને એટલો જોરથી માર માર્યો કે બાળકીના શરીર પર નિશાન પડ્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિક્ષિકા બાળકીને ક્રૂરતાપૂર્વક માર મારી રહી છે.

હું હવે કેસ કરીશઃ બાળકીના પિતા
બાળકીના પિતાએ જણાવ્યું કે, ‘સમગ્ર બાબતની જાણ થતાં હું પ્રિન્સિપાલને મળ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ભણાવો છો કે આવી રીતનો માર મારો છો. જે બાદ અમે સીસીટીવી ચેક કરતા મારી બાળકીને 35 ઝાંપટ મારી હોવાનું સામે આવ્યું, મારી દીકરીને લોહી બહાર આવી ગયું તો પણ મેડમ મારતા રહ્યા. હું એમની ઉપર કેસ કરવાનો છું.’