મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાના આરોપીઓની તરફેણ કરી

  • મોરારીબાપુની રામકથામાં ‘રાજરમત’ના સોગઠા 
  • ઝૂલતો પૂલ દુર્ઘટનાના આરોપીઓ માટે વ્યાસપીઠેથી તરફેણ
  • પ્રશ્ન સંવેદનાનો છે, પ્રતિશોધ નહી પરિવર્તનનો: મોરારીબાપુ
  • આરોપીના બાળકો તો સરખી રીતે દિવાળી ઉજવે એવું કઈક થાય

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તાજેતરમાં મોરારી બાપુની રામકથા યોજાઇ હતી. જોકે મોરારીબાપુની રામકથામાં ‘રાજરમત’ના સોગઠા ગોઠવાયાં હોય તેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટનાના આરોપીઓની મોરારીબાપુએ વ્યાસપીઠેથી તરફેણ કરતાં મામલો ગરમાયો છે. મોરારીબાપુએ કહ્યું કે, આરોપીના બાળકો તો સરખી રીતે દિવાળી ઉજવે એવું કઈક થાય એવું અમે ઈચ્છીએ છીએ. આ તરફ હવે લોકો દ્વારા રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 

મોરબીમાં મોરારીબાપુની નવદિવસીય રામકથા યોજાઇ હતી. જેમાં મોરારીબાપુએ વ્‍યાસપીઠ ઉપરથી ઝૂલતા પુલના મૃતકોને સંવેદનારૂપી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાન મોરારીબાપુએ જણાવ્‍યુ હતુ કે, મારે હમણા ખાનપર જવાનું થયુ. જયાં ઝુલતા પુલના મૃતકોનાં પરિવારજનોને શ્રધ્‍ધાજંલી અર્પણ કરી હતી. જ્યાં એક ભાઇએ કહ્યું ક,  જે થઇ ગયુ તે થઇ ગયુ. અમારો દિકરો ગયો. અમારી દિકરી ગઇ તેમાં કાંઇ થઇ શકે તેમ નથી. પરંતુ જે જે ઘટનાનું કારણ બન્‍યા હોય, બંદી બન્‍યા હોય તે દિવાળી તેમના બાળકો સાથે ઉજવે તેવી વ્‍યવસ્‍થા કરવા વિનંતી કરી હતી.  

આ તરફ મોરારીબાપુના આ નિવેદનને લઈ મૃતકોના પરિવારજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મૃતકોના વાલીઓના સંગઠન ટ્રેજડી વિકિટમ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્‍યું કે, કોઇ કથાકાર આવું નિવેદન આપે તે અયોગ્‍ય છે. અમારા વ્‍હાલ સોયાઓના ન્‍યાય માટે જીવનના અંતિમ ક્ષણો સુધી દેશના કાયદાની હદમાં લડતા રહીશું.

મહત્વનું છે કે, રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, પ્રશ્ન સંવેદનાનો છે, પ્રતિશોધ નહી પરિવર્તનનો છે. આ સાથે કથાકાર મોરારિબાપુએ આરોપીની તરફેણમાં દલીલ કર્યાબાદ હવે રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.