ખાનપુર, લીંબડીયાથી ખાનપુર માર્ગ પર સુકાઈ ગયેલા તેમજ નમી ગયેલા વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આવા જોખમી વૃક્ષો સાથે વાહનો અથડાઈ જવાથી કે વૃક્ષોની ડાળીઓ પડવાની દુર્ધટનાથી 10થી વધુ લોકો મોતને ભેટી ચુકયા છે. ત્યારે લીંબડીયાથી ખાનપુર તરફ જતા રોડ પર રંગેલી ગામ પાસે ખાનપુરના આંટા ગામના ભાઈ-બહેન બાઈક ઉપર ઢીંગલવાડા મુકવા માટે જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે રોડ પર બાઈક ઉપર વૃક્ષ પડતા બાઈક પર સવાર બહેન માલીવાડ મંજુલાબેનનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. તથા બાઈક ચાલક ભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ધટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઈજાગ્રસ્ત બાઈક સવારને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ દ્વારા મૃતક બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માર્ગ અને મકાન વિભાગ કે પછી વન વિભાગ દ્વારા ધમધમતા માર્ગ પર જોખમી તથા માર્ગ પર નડતા વૃક્ષોને દુર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.