કાલોલ, ડેરોલ સ્ટેશન ખાતે ફાટક નં-32 પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે જાન્યુઆરી-2017માં ગુજરાત સરકારના તત્કાલિક નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતામુર્હુત કર્યુ હતુ. જેની તાંત્રિક કામગીરી એપ્રિલ-2017 થી શરૂ કરી હતી.
ઓવરબ્રિજ તત્કાલિન સમયે અઢાર માસના અંતે 2018માં પુર્ણ થવાની હતી. પરંતુ કામગીરી હાથ ધરી એના ચાર મહિના પછી ઓવરબ્રિજ બનાવનાર કંપની અને સરકાર વચ્ચે નાણાંકિય મામલે ગડબડ સર્જાતા ઓવરબ્રિજ બનાવનાર કંપનીએ જુલાઈ-2018થી કામગીરી સમેટી લેતા પાછલા સાડા પાંચ વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી હતી. જેને કારણે એક તરફ ઓવરબ્રિજની કામગીરી બંધ અને બીજી તરફ પાછલા છ વર્ષથી મુખ્ય ફાટક બંધ કરી દેતા સ્થાનિક ગ્રામજનો, વિધાર્થીઓ અને 3 જિલ્લાને અસર કરતા અનેક વાહનચાલકોને હાલાકી પડી રહી હતી. જેને લઈ ડેરોલ સ્ટેશન રેલ્વે સંઘર્ષ સમિતિ, ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત અને અસરગ્રસ્તો દ્વારા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરતા કે પછી ફાટક ખોલી આપવા માટે વારંવાર રજુઆત કરવા છતાં વચગાળાના સમયમાં બે વિધાનસભા, એક લોકસભા, સ્થાનિક સ્વરાજ અને ગ્રામ પંચાયતની ચુંટણીઓ પણ પસાર થઈ અનેક હોદ્દેદારો બદલાઈ જવા છતાં તંત્રના પેટનુ પાણી પણ નહિ હાલતા છેટવે ગ્રામજનોએ, વિધાર્થીઓએ આંદોલનો કરવા પડ્યા હતા. જેને પગલે રેલ્વે તંત્ર દ્વારા વચગાળાના વિકલ્પ માટે 2.70 મીટર ઉંચુ અને 5.50 મીટર પહોળુ અંડરગ્રાઉન્ડ ગરનાળુ મંજુર કરી ગત વર્ષે રૂપિયા પાંચ કરોડના ખર્ચે ફાટક પાસે અંડરગ્રાઉન્ડ ગરનાળુ બનાવતા સ્થાનિકોએ આંશિક રાહત અનુભવી હતી. અસરગ્રસ્તોએ વર્તમાન સાંસદ અને નવા ધારાસભ્યને રજુઆતો કરતા આઝાદીના અમૃતકાલ મહોત્સવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં પુન: કામગીરીન તાંત્રિક મજુરી મળતા છેવટે સાડા પાંચ વર્ષના વ્હાણા વહી ગયા બાદ તાજેતરમાં રેલ્વે ઓવરબ્રિજની કામગીરીનો પુન: પ્રારંભ થતાં સોૈથી આતુરતાનો અંત આવ્યો હોવાની આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વર્ષ-2017માં મંજુર કરાયેલ ઓવરબ્રિજ કેન્દ્રના રેલ્વે અને રાજય સરકારની ભાગીદારીથી ગ્રાન્ટમાંથી બનાવતો હતો. જયારે હવે રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અધુરી કામગીરીના અંદાજે રૂ.19.45 કરોડના ખર્ચે બનીને આગામી 11 મહિનામાં બનીને તૈયાર થઈ જશે તેવુ માર્ગ અને મકાન વિભાગ હાલોલ કચેરીના મુખ્ય ઈજનેરે જણાવ્યુ હતુ.