ઝાલોદ, ઝાલોદ નગરમાં પાલિકાની કામગીરીને લઈને છેલ્લા ધણા સમયથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. દિવાળી અને નવરાત્રિના બે મોટા તહેવાર નજીક હોવા છતાં પણ પાલિકા દ્વારા નગરના રોડ-રસ્તા રિપેર કરવામાં ન આવતા રહિશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નગરના પ્રભુતા પાર્ટી પ્લોટ પાસેનો હાઈવેના બિસ્માર રસ્તાની મરામત માટે અનેકવાર રજુઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા રસ્તાની માટી મેટલ ઉખડી ગયા છે. જેના કારણે ધુળની ડમરીઓ ઉડવાના લીધે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. તેમજ ધુળના કારણે આસપાસના રહિશો અને વેપારીઓને ધુળના કારણે એલર્જી જેવી બિમારીઓના શિકાર બની રહ્યા છે. પાલિકા તંત્રને લેખિત-મોૈખિક રજુઆતો બાદ પણ કામગીરી પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. તહેવારો નજીકબ હોવાથી હાલમાં નગરમાં વેપાર-ધંધાની શરૂઆત થઈ છે. ત્યારે રસ્તા બિસ્માર અને ધુળની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તહેવારો પહેલા નગરમાં નવીન રસ્તાઓ બનાવવામાં આવે તેવી નગરજનોમાં માંગ જોવા મળી રહી છે.