માત્ર સત્તા મેળવવા જ નહિ લોક્તંત્રને ભાજપના અત્યાચારમાંથી મુક્તિ મળે તે માટે ચળવળ શરૂ થઈ છે.: શક્તિસિંહ

બોડેલી, શક્તિસિંહએ બોડેલીના બજારમાં ખુલ્લી જીપમાં રેલી યોજી અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઈક સવારો રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ સ્વામીનારાયણ હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ યોજ્યો અને છોટાઉદેપુરની ચૂંટણી જીતવા માટે આહવાન કર્યું હતું.

શક્તિસિંહએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે તેમને યુપીની ચૂંટણીની જવાબદારી સોપવામાં આવી હતી, ત્યારે મતદાન મથક પરના તમામ બુથ પર ભાજપવાળા હનુમાન ચાલીસા કરતા હતા, કોંગ્રેસે બજરંગ બલીનું અપમાન કર્યું હોય તેમને વોટ ન અપાય પણ હનુમાન દાદાએ એવી તો ગદા ફેરવી કે અલી અને બજરંગ બલી બન્નેના આશીર્વાદ મળ્યા હતા.

જન સંવાદ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષાબેન નાયડુ, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેન તિવારી અને ૧૪ તાલુકાના કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યા હતા. આ તમામની ઉપસ્થિતિમાં ૫૦૦ જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડતા શક્તિ સિંહે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

છોટાઉદેપુરના રાજ્ય સભાના સાંસદ આવનારી લોક્સભાની ચૂંટણી મોટી લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી, અને કહ્યું બીજા પક્ષના કાર્યકરો પણ હવે કોંગ્રેસમાં જોડાય રહ્યા છે. હાલમાં જ આવેલા દેશના વડાપ્રધાને બોડેલીને કોઈ ભેટ ન આપી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ જે બેસી ગયો છે તે ચર્ચામાં છે. લોકોને હાલાકી પડી રહી છે. બોડેલી પાસેનો રેલવે ઓવર બ્રિજ બનાવવાનો વાયદો તત્કાલીન મુખ્યમંત્રીએ કર્યો હતો તે બન્યો નથી, શિક્ષકોની ઘટ છે, ડોકટરોની ઘટ છે.

શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મુઠ્ઠી ભર લોકો આજે માલા માલ થઈ રહ્યા છે અને મારા ગુજરાતના આમ લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. મણિપુર ઘટનામાં વડાપ્રધાન કાંઈ બોલ્યા નહોતા, ભાજપ દ્વારા અનામતને ખતમ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે ઇન્ડિયા મજબૂત ગઢબંધન છે, માત્ર સત્તા મેળવવા જ નહિ લોક્તંત્રને ભાજપના અત્યાચારમાંથી મુક્તિ મળે તે માટે ચળવળ શરૂ થઈ છે.