અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગામી ૧૪મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ક્રિકેટ મેચ યોજાવાની છે. અમદાવાદમાં રમાનારી મેચને લઈને ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ મેચને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમજ દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રીએ ગૃહરાજ્ય મંત્રી તથા સચિવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં નાનું મોટું છમકલુ ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક એસઆરપીની ટુકડી સહિત પેરામિલેટરી ફોર્સ પણ ગોઠવવા અનુરોધ કર્યો હતો. શહેરમાં ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અંદાજિત પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. બીએસએફ સીઆરપીએફ સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર આઇપીએસ કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાશે.