- આ ગામમાં ઘણા લોકો ટેક્સપેયર બની ગયા છે : બોળ ગામના સરપંચ
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમા સંસ્કરણના આયોજન તરફ અગ્રેસર છે. ૨૦ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે, ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે, આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી પહોંચી છે. અમદાવાદના સાણંદ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં વિશ્ર્વની જાણીતી કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા છે અને તેના પરિણામે, આસપાસના ગામડાઓમાં વસતા લોકોના જીવનમાં, આર્થિક અને સમાજિક ઉત્થાનનો નવો અધ્યાય શરૂ થયો છે.
સાણંદ-૨ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા આસપાસના ૪ ગામોની ૨૦૦૩ હેક્ટર જમીનને સંપાદિત કરવામાં આવી હતી. તેમાં બોળ, હીરાપુર, શિયાવાડા અને ચરલ ગામનો સમાવેશ થાય છે. અહીં કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા બાદ, ગ્રામ પંચાયતને વ્યવસાય વેરાની આવક શરૂ થઇ છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૧-૨૨ સુધીના સમયગાળામાં સૌથી વધુ બોળ ગામને ૧૩ કરોડથી વધુનો વેરો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હીરાપુર ( ૩.૯૫ કરોડ), ચરલ ( ૧.૯૭ કરોડ) અને શિયાવાડાને ૧.૩૧ કરોડનો વ્યવસાય વેરાની આવક થઇ છે. ગામ વ્યવસાય વેરાની આવક (૨૦૧૨-૧૩ થી ૨૦૨૧-૨૨ સુધી) બોળ ૧૩,૦૯,૫૭,૩૭૯ હીરાપુર ૩,૯૫,૭૭,૪૯૧ ચરલ ૧,૯૭,૦૦,૬૬૯ શિયાવાડા ૧,૩૧,૩૨,૩૪૩ કુલ ૨૦,૩૩,૬૭,૮૮૨
વર્ષ ૨૦૧૨-૧૩માં આ ચાર ગામડાઓમાં વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે વર્ષ ૨૦૨૧-૨૨માં સમયાંતરે વધતાં એક કરોડથી વધુ પહોંચી છે. વર્ષ ૨૦૨૧માં બોળ ગામની આવક ૨.૪ કરોડ, હીરાપુર (૯૩.૨૫ લાખ), ચરલ ( ૨૯.૪૫ લાખ) અને શિયાવાડાની આવક ૩૫.૨૬ લાખ થઇ છે.૧૦ વર્ષમાં છારોડી પંચાયતની આવક ૧૫ કરોડથી વધુ સાણંદથી ૧૫ કિમી દૂર છારોડીમાં જીઆઇડીસીના લીધે, છારોડી ગ્રામ પંચાયતની આવક પણ દસ વર્ષમાં બમણી થઇ છે. વર્ષ ૨૦૧૨-૧૩માં, છારોડી પંચાયતને વ્યવસાય વેરાની ૫૨.૩૮ લાખની આવક થઇ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨માં વધીને ૧.૩૫ કરોડ થઇ ગઇ છે. ૨૦૧૨-૧૩થી ૨૦૨૧-૨૨ સુધીમાં, છારોડી પંચાયતને ૧૫.૫૪ કરોડની વ્યવસાય વેરાની આવક થઇ છે.
ઔદ્યોગિક એકમોના આગમનથી ગ્રામજનોના જીવનમાં આવેલા પરિવર્તન વિશે બોળ ગામના સરપંચ નરેન્દ્રસિંહ બારડે જણાવ્યું કે હવે આ ગામમાં ઘણા લોકો ટેક્સપેયર બની ગયા છે. ગામમાં સામાજિક અને આર્થિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને ઘણા લોકોએ અલગ અલગ વ્યવસાયો શરૂ કર્યા છે, જેનાથી તેમના જીવનમાં ૩૬૦ ડિગ્રી પરિવર્તન આવ્યું છે. આસપાસના ગામડાઓમાં પણ તેનો પ્રભાવ જોવા મળ્યો છે અને અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન માટે અને નરેન્દ્ર મોદી સાહેબનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.