
ઇઝરાયલ પર હમાસના ભિષણ હૂમલા બાદ યુધ્ધ છેડાઇ ગયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઈઝરાયેલમાં રહે છે. ત્યારે ઇઝરાયલમાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જોકે, હજુ સુધી એક પણ ગુજરાતીની હત્યા કે અપહરણની ઘટના નથી બની. પરંતુ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ છે. આ કારણે વડોદરામાં રહેતા તેમના પરિવારો ચિંતિત બન્યાં છે.
ઇઝરાયલમાં 150 થી 200 ગુજરાતીઓ ફસાયેલા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અનેક ગુજરાતીઓ ભયમાં જીવી રહ્યાં છે. રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી વ્યવસાય અથવા ભણતર માટે ગયેલા કેટલાય લોકોના પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઈઝરાયેલ અને વડોદરા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. વડોદરાની સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ થકી અનેક વિદ્યાર્થીઓ ઈઝરાયેલ ગયા છે. તો રાજકોટની સોનલ ગેડિયા નામની યુવતી નોકરી માટે છેલ્લા આઠ વર્ષોથી ઇઝરાયેલ છે. હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલાથી પરિવારમાં ખૂબ જ ભયનો માહોલ ફેલાય છે. પરિવારજનોને દીકરીની ચિંતા સતાવી રહી છે. પરંતું પરિવારને ભારત સરકાર પર પૂરતો ભરોસો છે.
તો વડોદરાના નિકિતેન કોન્ટ્રાક્ટર ફ્રેંડ્સ ઓફ ઇઝરાયલ નામની સંસ્થા ચલાવે છે, આ સંસ્થાએ અત્યારસુધી 1800 વિધાર્થીઓને એગ્રિકલ્ચર અભ્યાસ માટે વડોદરાથી ઈઝરાયલ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, વડોદરાના ત્રણ થી ચાર વિધાર્થીઓ હાલ ઈઝરાયેલમાં છે. હાલમાં દરેક ભારતીય સુરક્ષિત છે, ઈઝરાયેલના પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરના સંપર્કમાં છે. જેઓ ભારતીય છે. યુવાનો અને નોકરી કરતાં લોકોને પરિસ્થિતિ હજી ગંભીર થાય તો પરત લાવીશું. ઈન્ડિયન એમ્બેસી અને ઇઝરાયલ સરકારને રજુઆત ભારતીયોને પાછા લાવવા રજુઆત કરીશું.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદીઓ વચ્ચે હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. યુદ્ધના બીજા દિવસે ઇઝરાયેલી સેના અને આતંકવાદી જૂથ હમાસ વચ્ચેની અથડામણથી ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 750 થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા છે અને 1 હજાર 900થી વધુ લોકો ઘાયલ થયા છે. શનિવારે હમાસના આતંકવાદીઓએ ગાઝાથી ઈઝરાયેલમાં 3 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. તો જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયેલ સરકારના જણાવ્યા અનુસાર ગાઝામાં હમાસના આતંકવાદીઓએ 100થી વધુ લોકોને બંધક બનાવી લીધા છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં સતત ભડકો થઈ રહ્યો છે. બીજા દિવસે બંને તરફે યુદ્ધનો મૃત્યુઆંક એક હજાર સુધી પહોંચ્યો છે. હમાસે યુદ્ધ તો છેડી દીધું છે, પણ તે હવે ઈઝરાયલના આક્રમક વળતા પ્રહારનો સામનો કરી રહ્યું છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝા પટ્ટીના મોટાભાગનાં વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જો કે હમાસે આ વખતે યુદ્ધની મોટા પાયા પર તૈયારીઓ કરી છે. આતંકીઓ ઈઝરાયલના નાગરિકોનું અપહરણ કરી રહ્યા છે. ઈઝરાયલ આવેલા વિદેશીઓએ પણ યુદ્ધનું પરિણામ ભોગવવું પડ્યું છે, ત્યારે કેવી છે બંને દેશોની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં…
ઈઝરાયલ અને હમાસના યુદ્ધની અસર ગુજરાતમાં જોવા મળી છે. અમદાવાદમાં યહૂદી ધર્મસ્થળ પર સુરક્ષા વધારી દેવાઈ છે. ખમાસામાં આવેલા સીનેગોગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદમાં 120 યહૂદી પરિવાર વસવાટ કરે છે. યહૂદીના પ્રાર્થના સ્થળ સીનેગોગમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.