નડિયાદ : નડિયાદ પશ્ચિમ પોલીસે પીપલગ ચોકડી નજીક હાઇવે પરથી સફેદ ટેમ્પોમાંથી રૂ.૩.૯૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. નડિયાદ પશ્ચિમ પોલીસે પ્રોહી.નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ પશ્ચિમ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરનો ટેમ્પો વિદેશી દારૂ ભરી પીપલગ ચોકડીથી ઓવરબ્રિજ થઈ પીજ ચોકડી વચ્ચે વિદેશી દારૂની ડિલિવરી આપવા જવાનો છે. તેથી પશ્ચિમ પોલીસે નડિયાદ પીપલગ ચોકડીથી આગળ ઓવરબ્રિજના છેડે વોચ ગોઠવી હતી. પીપલગ ચોકડી તરફથી બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પાને ઉભો રહેવા ઈશારો કરતા થોડે દુર ટેમ્પોચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પાની તલાસી હાથ ધરતા વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ૧,૫૫૯ કિંમત રૂ.૩,૯૫,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પા સહિત વિદેશી દારૂ મળી કુલ રૂ. ૬,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.