સુરતમાં રોગચાળાના લીધે છેલ્લા બે દિવસમાં જ ત્રણના મોત થયા છે.

સુરત, સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રોગચાળાના લીધે ૧૭ બાળકો સહિત ૩૦ના મોત થયા છે. આમ ચાલુ સીઝનમાં રોગચાળાના લીધે ૩૦ના મોતથી હાહાકાર મચી ગયો છે. રોગચાળાના લીધે છેલ્લા બે દિવસમાં જ ત્રણના મોત થયા છે.

છેલ્લા બે દિવસમાં એક બાળક સહિત બે વ્યક્તિના ડેન્ગ્યુથી મોત થયા છે. પાંડેસરામાં આધેડ વ્યક્તિનું ઝાડા ઉલ્ટીના લીધે મોત થયું છે. ઇચ્છાપોરના યુવકનું ડેન્ગ્યુની અસર બાદ મોત થયું છે. ભરથામા ગામમાં હળપતિવાસમાં બાળકનું ડેન્ગ્યુથી મોત થયું છે. બાળકને તાવ આવ્યા બાદ નવી સિવિલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત થયું હતું.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેની કામગીરી દરમિયાન તાવ, શરદી, ખાંસી અને ઝાડા-ઉલટીના દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. વાહકજન્ય રોગની વાત કરવામાં આવે તો શહેરમાં હેલ્થ વર્કરો દ્વારા લોકોના ઘરે-ઘરે સર્વે કરાઈ રહ્યો છે. ૨૬થી ૩૦ તારીખ સુધીના સર્વેમાં ૩.૩૮ લાખ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને ૬ લાખ જેટલા મચ્છરના બ્રિડિંગ પ્લેસની તપાસ કરવામાં આવી હતી.

રોગચાળાના મૃત્યુ આંક બાબતે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઉધના વિસ્તારના અગાઉ જે કેસ નોંધાયા હતા તેમાંથી બે બાળકોનું ઝાડા-ઉલટીથી મોત થયું હતું અને અન્ય બીજા ૮ દર્દીનું અન્ય બીમારીથી મોત થયું છે. જેમાં ત્રણ બાળકોને જન્મજાત ખામી હતી અને અન્ય એક વડીલનું મોત કેન્સરના કારણથી થયું છે.