ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઈકોનોમી કલાસમાં મુસાફરી કરી: બાબુઓને પણ ફરજ પડી

રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસન સંભાળ્યા બાદ સાદાઈના અનેક દ્રષ્ટાંતો બેસાડયા છે. તેઓના ચહેરા પર કદી મુખ્યમંત્રી જેઓ રૂઆબ નહી છતા મકકમતા છે અને તેના કારણે સિનીયિર સરકારી અધિકારીઓ પણ તેમને ફોલો કરે છે.

હાલમાં જ વાઈબ્રન્ટ ગુજરાત પ્રી સમીટ અને તેના રોડ-શો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા અધિકારીઓની ટીમે અમદાવાદ-દિલ્હી ફલાઈટમાં ગયા. રાજય સરકારનું વિમાન તેની વાર્ષિક મેન્ટેનન્સ માટે ગયું હતું અને સી.એમ. એ વિમાની મુસાફરીમાં પણ બીઝનેસ કલાસ નહી ઈકોનોમી કલાસમાં મુસાફરી કરી તો અધિકારીઓને પણ તેમ કરવું પડયું.

નહીતર અધિકારીઓ સામાન્ય રીતે બિઝનેસ કલાસમાંજ સફર કરે છે અને તેઓ અનેક વખત વાઈબ્રન્ટ કે તેવી સમીટના નામે કોઈ ઉદ્યોગગૃહનું વિમાન પણ મંગાવી લે છે અથવા તેઓના વૈભવી પ્રવાસના બિલ સરકાર પાસેથી વસુલ કરે છે પણ તે ખર્ચ વાસ્તવમાં કોઈ મોટા ઉદ્યોગગૃહે ભોગવો હોય છે.

મુખ્યમંત્રી શ્રી પટેલે ઘટયું હોત તો કોઈ કોર્પોરેટ પ્લેન મંગાવી શકયા હોત પણ તેઓએ ઈકોનોમી કલાસમાં મુસાફરી કરવાનું પસંદ કરીને બાબુઓને પણ તેમને અનુસરવા માટે ફરજ પાડી હતી.

મુખ્યમંત્રીએ ‘બીઝનેસ કલાસ બાબુ’ અને ઈકોનોમીમાં હવે ફરતા કરી દીધા છે. અગાઉ પણ તેઓએ સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો તો પણ તેનું બિલ જાતે જ ચૂકવી દીધું હતું.