
- વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું
- કોહલીએ 116 બોલમાં 6 ચોગ્ગા ફટકારીને કુલ 85 રન બનાવ્યા
- આઉટ થયા બાદ વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં માથું પિટતા જોવા મળ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેને ક્રિકેટના કિંગ કેમ કહેવામાં આવે છે. ગઈકાલે ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં જ્યારે ભારતીય બેટ્સમેન મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કિંગ કોહલીએ જવાબદારી નિભાવી અને ટીમ ઈન્ડિયાને જીતની નજીક લઈ ગયા હતા. કોહલીએ 116 બોલમાં 6 ચોગ્ગા ફટકારીને કુલ 85 રન બનાવ્યા હતા.
જોકે વિરાટ કોહલી પોતાની સદીથી માત્ર 15 રન દૂર હતા અને આઉટ થયા હતા. જો કોહલીએ સદી પૂરી કરી હોત તો તે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 78મી સદી અને વનડેમાં 48મી સદી ફટકારીને સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પહોંચી ગયા હોત. જોકે આવું થઈ શક્યું નહીં. આ દરમિયાન કિંગ કોહલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાના હાથ વડે પોતાનું માથું પિટતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં આવીને બેસે છે. દરમિયાન, તે તેના બંને હાથ વડે માથું પીટે છે. તેમના ચહેરા પર નારાજગી પણ સ્પષ્ટ જોઈ શકાતી હતી. કોહલીનો આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ વિવિધ અટકળો લગાવવી શરૂ કરી દીધી હતી. એકે કહ્યું કે સદી પૂરી ન કરવાને કારણે તે પરેશાન છે, જ્યારે ઘણા ચાહકોએ કહ્યું કે તેઓ ભારતને જીત અપાવીને મેદાનમાંથી પરત ફરવા માગે છે. કેટલાકે તેને ‘હાર્ટ બ્રેકિંગ’ ક્ષણ ગણાવી છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમના 3 બેટ્સમેન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માત્ર 2 ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે ત્રણેય ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યા હતા.
ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટાવી નાખી હતી. કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.