બેંગલુરુમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી ૧૦ લોકોનાં મૃત્યુ થયાં

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શનિવારે સાંજે કરુણ બનાવ બન્યો હતો. બેંગલુરુની બહારના વિસ્તાર અટ્ટીબેલેમાં આવેલી ફટાકડાની એક દુકાનમાં કોઈ કારણે આગ લાગી ગઈ હતી. આગના લીધે અફરાતફરી થઈ ગઈ હતી. આ આગમાં ૧૦ લોકો જીવતા ભૂંજાયા હતા.

ફટાકડાના ધડાકા દૂર સુધી સંભળાયા હતા.નજરે જોનારા લોકોએ જણાવ્યા અનુસાર, કેંટર ગાડીમાંથી પેટીઓ ઉતારતાં વખતે બાલાજી ક્રેર્ક્સની દુકાનમાં આગ લાગી હતી. જોતજોતાંમાં આગે દુકાન અને ગોદામને લપેટમાં લીધાં હતાં અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં ભીષણ આગમાં ૧૦ લોકોનાં સળગી જવાથી મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. બચાવકર્મીઓને ત્યાંથી ૧૦ મૃતદેહ મળ્યા હતા.