વલસાડમાંથી ૧૨ વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો, ૨૦૧૨માં યુવકની ગળું કાપી હત્યા કરી હતી

વલસાડઃ જિલ્લા એસઓજી પોલીસે હત્યાના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા એક હત્યારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કોચરવામાં એક યુવકનું ગળું કાપી અને હત્યા કરી આરોપી ફરાર હતો. બાર વર્ષથી પોલીસ તેને ઝડપવા પ્રયાસ કરી હતી અને આરોપીની ધરપકડ માટે ઈનામ પણ જાહેર કર્યું હતું. આખરે 12 વર્ષે વલસાડ એસ.ઓ.જી પોલીસે દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે.

બનાવની વિગત મુજબ, ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા કોચરવા ગામના કુંભાર ફળિયામાં આવેલા તળાવના કિનારે વર્ષ 2012માં એક યુવકની હત્યા થઈ હતી. ગળું કાપી અને યુવકની થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણતા જ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

તપાસમાં બહાર આવ્યું કે, મૃતક કુશપ્રસાદ સાહુ હતો. જેની કોઈ અગમ્ય કારણોસર ગળું કાપી અને હત્યા થઈ હતી. આ મામલે જે-તે સમયે પોલીસે તપાસ કરતા કુશપ્રસાદ શાહુની હત્યા તે જ વિસ્તારમાં રહેતા પંકજ રાય ઉર્ફે પાંચું બિલ્લુ નામના આરોપીએ કરી હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપવા પ્રયાસ કર્યા હતા. પરંતુ પોલીસને સફળતા મળી ન હતી. આખરે 12 વર્ષ બાદ આ હત્યારાને પોલીસે દબોચી લીધો છે. આરોપી પંકજ રાય મૃતક કુશ પ્રસાદ શાહુની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યાનું કારણ મૃતક કુશ સાહુના આરોપી પંકજ રાયની પત્ની સાથે આડાસંબંધ હોવાનું વહેમ રાખી આરોપી પંકજ રાયે મૃતકને કોચરવાના કુંભાર ફળિયામાં આવેલા તળાવના કિનારે લઈ ગયો હતો અને ત્યાં તેનું ગળું કાપી અને હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

ત્યારથી પોલીસ આરોપીના વતન બિહારમાં પણ આરોપીને ઝડપવા અનેક વખત પ્રયાસો કર્યા હતા. જો કે, તેમ છતાં આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ હત્યારા આરોપીને ઝડપવામાં મદદ કરનાર વ્યક્તિને 10,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. તેમ છતાં 12 વર્ષ સુધી આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આખરે એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે હત્યારા ઇનામી આરોપી પંકજ રાયની ભરૂચ અને અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલી એક હોટલમાંથી દબોચી તેને સળિયા પાછળ ધકેલી  દીધો છે.