મોસ્કો : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુદ્ધિમાન કહેવા સાથે અને ભારતને પશ્ચિમના દેશોનાં પરિઘમાં ન આવવા માટે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ભારોભાર પ્રશંસા કર્યા પછી પુતિને ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં સ્થાયી સભ્યપદ આપવા માટે માગણી કરી છે. સોચીમાં યોજાયેલી વાલ્ડાઈ ઈન્ટરનેશનલ ડિસ્કશન કલબની સંપૂર્ણ બેઠકને સંબોધિત કરતાં પુતિને તેમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભારત વર્ષોવર્ષ વધુ અને વધુ શક્તિશાળી બનતું જાય છે.
રશિયન સમાચાર એજન્સી નાસ વધુમાં જણાવે છે કે, પ્રમુખ પુતિને આ સાથે કહ્યું હતું કે, એક એવો દેશ જે માત્ર પોતાની જ ક્ષમતાના આધારે આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અને સમાધાનની સંભાવના ઉપર પણ પ્રભાવ પાડી શકે છે, તેનું સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ.
આ પૂર્વે મોસ્કો સ્થિત એક થિંક ટેન્ક દ્વારા આયોજિત સમ્મેલનમાં તેઓએ કહ્યું હતું કે, આ એક એવો દેશ છે કે જેની જનસંખ્યા દોઢ અબજ સુધી પહોંચી છે. તેનો વૃદ્ધિદર ૭ ટકાથી પણ વધુ રહ્યો છે. આ એક શક્તિશાળી દેશ છે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં તે વર્ષોવર્ષ સબળ થતો જાય છે.
તેઓએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. સલામત સમિતિમાં સુધારો કરવાનો તેનો સતત પ્રયાસ ચાલે છે. તેથી તે પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે હક્કદાર છે.
આ પરિષદને ૨૧મી સદીમાં પ્રર્વતતી નક્કર વાસ્તવિકતાઓને અનુરૂપ સ્વરૂપ આપવું જોઈએ. તેમ કહેતાં તેમણે લેટિન અમેરિકા ૧૫મી અને દક્ષિણ અમેરિકાનાં રાષ્ટ્રોમાં સૌથી વિશાળ રાષ્ટ્ર બ્રાઝિલનાં પણ કાયમી સભ્યપદ માટે તરફેણ કરતાં આફ્રિકા ખંડનાં સૌથી અગ્રીમ દેશ દ.આફ્રિકાની પણ સ્થાયી સભ્ય પદ માટે તરફેણ કરી હતી.
અત્યારે યુનોમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાંસ તથા ચીન કાયમી સભ્યો છે. બીજા-૧૦ બે વર્ષ માટે ચૂંટાઈ આવેલા સભ્યો હોય છે તે સર્વવિદિત છે.