કોરોનાની મહામારીના સમય બાદ, આ રોગનો ડર લોકોના મનમાં પેસી ગયો છે. ત્યારે અંગદાન અંગે લોકોને વિચાર તો બહુ દૂર આવે. ત્યારે સુરતની એક સંસ્થા એવી છે જે બ્રેઇનડેડ થયેલા દર્દીઓના સંબંધીઓને સમજાવીને અન્યોને નવજીવન કેવી રીતે આપ્યા તેની જાગૃતિ કેળવતી આવી છે. અત્યારસુધી અંગદાન ઠીક 836 વ્યક્તિઓને નવજીવન આપીને અંગદાન(organ donation ) એ જ મહાદાન એ વાતને સાર્થક કરી બતાવી છે. આવું જ એક અંગદાન આજે પણ કરવામાં આવ્યું હતું.
ખંભાતી ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ દિપીકાબેન ભરતભાઈ ધારીયાના પરિવારે ડોનેટ લાઈફના (donate life ) માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.રવિવાર તા.૨૫ જુલાઈ ના રોજ સવારે 9 વાગ્યે દિપીકાબેનને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ત્યાં તેમનું હૃદય બંધ થઇ જતા CPR આપીને હૃદયને ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું હતું.
ગુરુવાર તા.29 જુલાઈના રોજ ફરજ પરના તબીબોએ દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
કોરોના પછી કેટલું થયું અંગદાન ?
ઉલ્લેખનીય છે કે કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બે મહિનામાં સાત બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 7 લિવર અને 10 ચક્ષુઓ સહીત કુલ 34 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 33 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
અત્યાર સુધી કેટલાને મળ્યું નવજીવન ?
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 394 કિડની, 164 લિવર, 8 પેન્ક્રીઆસ, 34 હૃદય, 14 ફેફસાં અને 296 ચક્ષુઓ કુલ 908 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 836 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.