પંચમહાલ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં મકાનો, દુકાનો, એકમો ભાડે આપતા માલિકોના સંદર્ભમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

ગોધરા, ત્રાસવાદી તેમજ અસામાજીક તત્વો પંચમહાલ જીલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવીને આતંકી તથા ગુનાહિત પ્રવૃતિને અંજામ ન આપી શકે તેમજ જીલ્લામાં શાંતિ અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે માટે પંચમહાલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.

જાહેરનામા મુજબ જીલ્લાના શહેર-ગ્રામ્ય તથા વિવિધ વિસ્તારોમાં મજુરો, કડીયાકામ, ઇટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસમાં રસોઇયા, ફેક્ટરી, કારખાના, નાની-મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર તથા કલરકામ કરતા કારીગરોને માલીકો મકાન, એકમો તથા દુકાન ભાડે આપતા હોય છે તેમજ કામદાર તરીકે રાખતા હોય છે.

જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મકાનો, એકમો તથા દુકાનો ભાડે આપતા માલીકોએ સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને એકમ,દુકાન,મકાન ભાડે આપી શકાશે નહિ.

મિલકત માલીકે ભાડે રાખનારનું નામ-ફોટો, નંબર, કાયમી સરનામા સહિતની વિગતોની નોંધ રાખી સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. આ જાહેરનામાની અમલવારી તા. 06/12/2023 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.