- અમે રાજ્યને કોઈપણ નીતિગત નિર્ણયો લેવાથી રોકી શકીએ નહીં : સુપ્રિમ કોર્ટ
નવીદિલ્હી, બિહારમાં જાતિ ગણતરીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે શુક્રવારે બિહાર સરકારને તેના જાતિ સર્વેક્ષણના વધુ ડેટા પ્રકાશિત કરવાથી રોકવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે રાજ્યને કોઈપણ નીતિગત નિર્ણયો લેવાથી રોકી શકે નહીં.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે પટના હાઈકોર્ટના ૧ ઓગસ્ટના આદેશને પડકારતી અરજીઓ પર ઔપચારિક નોટિસ જારી કરી હતી, જેણે બિહારમાં જાતિ સર્વેક્ષણને મંજૂરી આપી હતી. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીમાં થશે.
વાસ્તવમાં અરજદારે જાતિની વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. ૩ ઓક્ટોબરના રોજ અરજદારે કોર્ટને કહ્યું હતું કે બિહાર સરકારે જાતિ સર્વેક્ષણના આંકડા પ્રકાશિત કર્યા છે. આવી સ્થિતિમાં આની સુનાવણી જલ્દી થવી જોઈએ. જેના પર કોર્ટે સુનાવણી માટે ૬ ઓક્ટોબરની તારીખ આપી હતી.
તમને જણાવી દઈએ કે, આ પહેલા બિહાર સરકારે સર્વે સાથે સંબંધિત ડેટા જાહેર ન કરવાની વાત કરી હતી. આ પછી તે પ્રકાશિત થયું. હવે આ અંગે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બિહાર સરકારને જાતિ સર્વેક્ષણના વધુ ડેટા પ્રકાશિત કરવાથી રોકવાનો ઇનકાર કર્યો છે.
સર્વોચ્ચ અદાલતે અરજદારોના વાંધાઓને ફગાવી દીધા હતા જેમણે રાજ્ય સરકારને વધુ ડેટા જાહેર ન કરવાની માંગ કરી હતી. બેન્ચે કહ્યું, ’અમે આ સમયે કંઈપણ રોકી રહ્યાં નથી. અમે રાજ્ય સરકાર કે કોઈપણ સરકારને નીતિ વિષયક નિર્ણયો લેતા રોકી શક્તા નથી. આ ખોટું હશે.અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે આ કેસમાં ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો છે અને હાઈકોર્ટનો આદેશ ખોટો છે. તેના પર ખંડપીઠે કહ્યું કે કોઈપણ વ્યક્તિનું નામ અને અન્ય ઓળખ પ્રસિદ્ધ કરવામાં આવી ન હોવાથી ગોપનીયતાનું ઉલ્લંઘન થયું હોવાની દલીલ યોગ્ય ન હોઈ શકે.ખંડપીઠે કહ્યું, ’કોર્ટના વિચારણા માટે વધુ મહત્વનો મુદ્દો ડેટાની વિગતો અને જનતા માટે તેની ઉપલબ્ધતા છે.’
બિહારમાં, નીતિશ કુમાર સરકારે ગયા સોમવારે બહુપ્રતીક્ષિત જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. લોક્સભા ચૂંટણી પહેલા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગ અને અત્યંત પછાત વર્ગનો હિસ્સો ૬૩ ટકા છે.
બિહાર ડેવલપમેન્ટ કમિશનર વિવેક સિંહ દ્વારા અહીં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, બિહારની કુલ વસ્તી ૧૩.૦૭ કરોડથી થોડી વધારે છે. આમાં, ઇબીસી (૩૬ ટકા) સૌથી મોટા સામાજિક વર્ગ તરીકે ઉભરી આવ્યો છે, ત્યારબાદ ઓબીસી (૨૭.૧૩ ટકા) છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓબીસી જૂથમાં સામેલ યાદવ સમુદાય વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય છે, જે રાજ્યની કુલ વસ્તીના ૧૪.૨૭ ટકા છે.