જો એકમાત્ર બાળક છોકરી હશે, તો હિમાચલ સરકાર માતાપિતાને ૨ લાખ રૂપિયા આપશે

શિમલા,હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસોને રોકવા માટેના સરકારના પ્રયાસોના ભાગ રૂપે, એક છોકરીના માતાપિતાને ૨ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. અહીં જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્દિરા ગાંધી ગર્લ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ હેઠળ પ્રોત્સાહન વર્તમાન ૩૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવશે.

પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, ૧૯૯૪ પર આરોગ્ય સંરક્ષણ અને નિયમન નિયામકની કચેરી દ્વારા આયોજિત બે દિવસીય ક્ષમતા નિર્માણ કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. સુખુએ જણાવ્યું હતું કે હવે છોકરીના જન્મ પછી કુટુંબ નિયોજન અપનાવનારા માતાપિતાને ૨ લાખ રૂપિયા અને બે છોકરીઓ પછી બીજું બાળક ન રાખવાનો નિર્ણય લેનારા માતાપિતાને ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ ડેટા ૨૦૧૮-૨૦ મુજબ હિમાચલ પ્રદેશમાં લિંગ ગુણોત્તર ૯૫૦ છે. જે દેશમાં શ્રેષ્ઠ લિંગ ગુણોત્તર સાથે રાજ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ૨૧ વર્ષની ઉંમર પછી લગ્ન કરનાર છોકરીઓને પ્રોત્સાહન આપવા પર પણ વિચાર કરી રહી છે.

સુખુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મોટા પાયે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક તકનીકોનો સમાવેશ કરી રહી છે અને બ્લોક-સ્તરની સંસ્થાઓને મજબૂત બનાવી રહી છે.