પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પાલિકાના દરોડા, મોટી માત્રામાં 100 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ કબ્જે કરાઈ

Ananad : સરકાર દ્વારા 100 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર  દ્વારા નિયમન પાલન માટે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ(Anand) નગર પાલિકાએ વેપરીઓ આ કાયદાઓ કડકડ પાલન કરે તે માટે ટિમ બનાવી ચેકીંગ શરૂ કરાવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરી જથ્થો સીઝ પણ કરવામાં આવી રહ્યો છે.

આણંદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર  એસ.કે ગરવાલ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અધિકારીના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાની વિવિધ ટીમની રચના કરવામાં આવી છે. આણંદના સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

બજારમાં જે વેપારીઓ 100 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગનુ વેચાણ કરતા હતા તેવા તનિષા પ્લાસ્ટિક, ધનલક્ષ્મી પ્લાસ્ટિક અને સાંઈ એન્ટરપ્રાઇઝ ખાતેથી તપાસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપાયો હતો. આણંદ નગરપાલિકાએ અંદાજિત 60 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ પેઢીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

આણંદ નગરપાલિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આણંદના જે વેપારીઓ 100 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકની પ્રતિબંધિત બેગનું વેચાણ કરે છે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વેપારીઓએ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત બેગનું  વેચાણ બંધ કરી સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરે તે ઇચ્છનીય છે તેમ જણાવી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે ચકાસણીની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ મુખ્ય અધિકારી ગરવાલે ઉમેર્યું હતું.

ભરૂચમાં પણ પ્રતિબંધીત 100 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગનો વપરાશ અટકાવવા ભરૂચ નગર પાલિકાએ પ્રક્રિયા હાથ ધરી છે. ભરૂચ નગર પાલિકાની ટીમોએ વોર્ડ નંબર1 અને 2 માં  5 ઓક્ટોબર 2023 ના રોજ ગુરુવારે  વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન ડ્રાઈવ દરમિયાન દંડની વસુલાત પણ કરવામાં આવી હતી. ભરૂચ નગર પાલિકાએ કુલ નવ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરેલ છે.