બનાસકાંઠા : અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતા ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓના કરુણ મોત નિપજ્યા છે. દાદા તેમની 5 વર્ષીય અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો છે. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રેલ્વે પોલીસ દ્વારા પંચનામું કર્યુ હતું, જેમાં માહિતી અપાઈ કે, ઓબસિંહ લાલાસિંહ ડાભી (ઉંમર 65 વર્ષ), કાજલબા સોરમસિંહ ડાભી (ઉંમર 2 વર્ષ ) અને કુશમ બા સોરમસિંહ ડાભી (ઉમર 5 વર્ષ) ના ટ્રેનની અડફેટે આવીને મોત થયા છે. એક હસતા ખેલાતા પરિવારના ત્રણ સભ્યોની આવી અણધારી વિદાયથી સમગ્ર કિડોતર ગામ ધ્રુસકે ચડી અંતિમ વિદાય આપી હતી. આખું ગામ હિબકે ચઢ્યુ હતુ.
બન્યુ એમ હતું કે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા કિડોતર ગામના એક વૃદ્ધ અને તેમની બે પૌત્રીઓ રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટ્રેન આવી જતા ત્રણેય લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેને પગલે ત્રણેયના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
આ ઘટનાને પગલે રેલવે પોલીસ દોડતી થઈ હતી. ત્રણ લોકો કપાયાની ઘટના વાયુવેગે ફેલાઈ હતી. અમીરગઢ પાસેથી પસાર થતી અમદાવાદ-દિલ્હી રેલવે લાઈન પર અમીરગઢ અને સરોત્રા વચ્ચેથી પસાર થતી ટ્રેનની અડફેટે આ અકસ્માત સર્જાયો હતો.