દેશની બેંકો અને વીમા કંપનીઓ પાસે અંદાજે 49000 કરોડ રૂપિયા જેટલી રકમ અનકલેઇમ પડી છે. નાણાં રાજય મંત્રી ભાગવત કરાડે મંગળવારે રાજયસભામાં આ બાબતની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ અનકલેઇમ રકમનો આંકડો 31 ડિસેમ્બર 2020 સુધીનો છે.મતલબ કે 49000 કરોડ રૂપિયાની રકમ એવી છે જેનો કોઇ દાવો કરનાર નથી. તેમાં પણ સૌથી મોટી રકમ SBIની છે. આવી અનકલેઇમ રકમનું સરકાર શું કરે છે તે માહિતી જાણવા આગળ વાંચો.
એક સવાલનો લેખિતમાં જવાબ આપતા ભાગવત કરાડે જણાવ્યું હતું કે RBI તરફથી મળેલી જાણકારી મુજબ બેંકોના 8.1 કરોડ ખાતામાં કોઇ પણ જાતના દાવા વગરની 24,356 કરોડ રૂપિયાની રકમ પડી છે. મતલબ કે એવરેજ દરેક ખાતામાં 3000 રૂપિયા છે.
રાજય નાણાં મંત્રીએ કહ્યું કે નેશનલાઇઝડ બેંકોમાં 5.5 કરોડ ખાતામાં રૂપિયા 16,697 કરોડ રૂપિયા પડયા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના 1.3 કરોડ ખાતા એવા છે જેમાં 3,578 કરોડની રકમ અનકલેઇમ પડી છે. જયારે ખાનગી બેંકોના 90 લાખ ખાતામાં એવરેજ ખાતા દીઠ 3340ની રકમ અનકલેઇમ છે. નેશનલાઇઝડ બેંકોની વાત કરીએ તો SBIના 1.3 કરોડ ખાતામાં 3578 કરોડ રૂપિયા, ખાનગી બેંકોના 90 લાખ ખાતામાં 2964 કરોડ રૂપિયા, પ્રાદેશિક ગ્રામીણ બેંકોના 40 લાખ ખાતામાં 612 કરોડ રૂપિયા અને વિદેશી બેંકોના 7 લાખ ખાતાઓમાં 601 કરોડ રૂપિયાની રકમ અનકલેઇમ છે.
Insurance Regulatory and Development Authority (IRDA)ના કહેવા મુજબ સરકારી અને ખાનગી વીમા કંપનીઓમાં રૂપિયા 24,586 કરોડ રૂપિયાની રકમ અનકલેઇમ પડી છે.ઘણી વખત એવું બનતું હોય છે,કેટલાંક લોકો એકાદ બે પ્રીમીયમ ભરીને પોલીસી છોડી દેતા હોય છે. ઉપરાંત વીમાના કાગળો ખોવાઇ જવાને કારણે ઘણી વખત લોકો કલેઇમ કરી શકતા નથી. આવા અનેક કારણોસર વીમા કંપનીઓમાં કરોડો રૂપિયાની રકમનો કોઇ દાવો કરનારું નથી.
હવે તમને થશે કે આવી કોઇ દાવો ન કરનારી રકમ પડી હોય તેનું શું થાય? તો નિયમ એવો છે કે બેંકોમાં જે અનકલેઇમ રકમ પડી હોય તેને ડિપોઝિટર એજયૂકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ સ્કીમ 2014માં લોન્ચ કરી હતી. આ રકમનો ઉપયોગ ખાતેદારોના હિતોને વધારવા માટે કરવામાં આવે છે. એવી જ રીતે વીમા કંપનીઓ પાસે 10 વર્ષથી વધારે સમયથી જે રકમ પર કોઇનો દાવો ન હોય તેવી રકમને સિનિયર સિટીઝન વેલફર ફંડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.