પીવાના શુદ્ધ પાણીને લઈને અવારનવાર નાના શહેરથી લઈને મહાનગર સુધી એક મોટી બબાલ સમયાંતરે જોવા મળે છે. પીવાના પાણીની ગુણવત્તા હલકી હોવાથી દરેક ઘરમાં RO પ્યુરિફાયર અનિવાર્ય બન્યું છે. કારણ કે તંત્ર તરફથી આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી. ROથી પાણી તો શુદ્ધ મળે છે પણ એની સાથે કેટલાક મિનરલ્સ પણ ખતમ થઈ જાય છે. જે હકીકતે શરીર માટે ઉપયોગી હોય છે.
પણ દેશમાં એક એવું પણ શહેર છે જ્યાં 24 કલાક પીવાનું પાણી મળી રહેશે. એ પણ શુદ્ધ. ઓરિસ્સા જિલ્લાનું પુરૂ શહેર એકમાત્ર એવું શહેર બન્યું છે જ્યાં 24 કલાક ગમે તે નળમાંથી પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ય થશે. નળમાંથી આવતું પાણી એટલું સ્વચ્છ અને શુદ્ધ હશે કે ફિલ્ટર કરવાની જરૂર નહીં પડે. આ રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે તાજેતરમાં પુરી શહેરમાં નલમાંથી પીવાનું શુદ્ધ પાણી મિશનનું લોકાર્પણ કર્યું છે. આમ તો પુરી જગન્નાથ યાત્રા તથા રથયાત્રા માટે દેશભરમાં જાણીતું છે.
અહીંની અઢી લાખની વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળી રહેશે. આ સાથે દર વર્ષે યાત્રા કરવા માટે આવતા આશરે 2 કરોડ પ્રવાસીઓને પણ આ લાભ મળી રહેશે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, દરેક ઘરમાં નળમાંથી પીવાલાયક, ગુણવત્તાયુક્ત પાણી પ્રાપ્ય કરાવવું એ પરિવર્તનકારી યોજના છે. પૂરીને હેરિટેજ સિટી બનાવવા તરફની દિશામાં આ પ્રથમ પગલું છે. પૂરી શહેરમાં રહેતા લોકો, અહીં આવતા પ્રવાસીઓ તથા અન્ય તીર્થયાત્રીઓ માટે સમગ્ર શહેરમાં પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ય છે.
ઓરિસ્સા રાજ્યના દરેક ઘરમાં નળમાંથી પીવાનું પાણી સરળતાથી મળી રહે એવું આયોજન કરવું એ મારૂ સપનું છે. જે હવે હકીકતમાં બદલવાનું છે. પીવાના પાણી પાછળનું બજેટ પાંચ વર્ષમાં બમણું કરવામાં આવ્યું છે. અગાઉ જે બજેટ રૂ.200 કરોડનું હતું એ વધારીને 5 વર્ષમાં રૂ.4000 કરોડ થઈ ગયું છે. આપણા દેશમાં હજું પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પીવાનું શુદ્ધ પાણી સરળતાથી પ્રાપ્ય નથી. મહાનગરમાં નળમાંથી પાણી તો આવે છે પણ તે પીવા લાયક હોતું નથી. RO વગર કામ ચાલતું નથી. જે ROને કારણે મિનરલ્સ ખતમ થઈ જાય છે. આ ઉપરાંત પાણીનો વેડફાટ પણ એટલો જ થાય છે. એવામાં દરેક રાજ્યએ ઓરિસ્સા પાસેથી પીવાના પાણીને લઈ આ પ્રોજેક્ટ અંગે શીખવું જોઈએ.