મુંબઈ,
બોલિવૂડના સ્ટાર સુશાંતસિંહ રાજપૂત(Sushantsingh Rajput) નું મોત (death) આજે પણ એક રહસ્ય બનેલું છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા સુપ્રીમ કોર્ટે (Supreme court) સીબીઆઇ (CBI)ને આ કેસની તપાસ સોંપી છે. સીબીઆઇ આ કેસમાં સુશાંત સાથે રહેનારા બધા લોકોની પૂછપરછ કરી રહી છે.
આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea chakraborty) પછી સીબીઆઇની ટીમે તેમની બહેન અને બનેવીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. સુશાંતની મોટી બહેન નીતુસિંહ (Nitu singh) અને તેના બનેવી વિશાલ કીર્તિ (Vishal Kirti)ને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. ટીમે તેમને આવતીકાલે સવારે તેમની પાસે પહોંચવાના નિર્દેશ પાઠવ્યા છે.
વાસ્તવમાં થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં રિયાએ દાવો કર્યો હતો કે સુશાંતની મોટી બહેન આ બનાવના થોડા દિવસો પહેલા તેની જોડે રહેતી હતી. તેની સાથે તેણે તેવો દાવો કર્યો હતો કે સુશાંતના તેના પરિવાર સાથે સંબંધો સારા ન હતા.
સુશાંતના કુટુંબીજનોની પૂછપરછ કરનારી સીબીઆઇ
આ જાણકારી સામે આવ્યા પછી હવે સીબીઆઇની ટીમે સુશાંતના કુટુંબીજનોની પૂછપરછ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમે રિયાના દાવાની ઉલટતપાસ માટે પહેલા સુશાંતની મોટી બહેન અને તેના બનેવીને હાજર રહેવાનું કહ્યુ છે.
આ મામલાની ઊંડાઈ સુધી પહોંચવા માટે સીબીઆઇની ટીમ કુટુંબના અન્ય સભ્યોની પૂછપરછ કરી શકે છે, પરંતુ હાલમાં તો તેની બહેન સિવાય બીજા કોઈને નોટિસ મળી નથી.
સુપ્રીમ કોર્ટ પાસેથી લીલી ઝંડી મળ્યા પછી સીબીઆઇ સતત લોકોની પૂછપરછ કરીને એક પછી એક કડીઓ જોડવાનો પ્રયત્ન કરી રહી છે. સુશાંતના પરિવારની માંગ પછી બિહાર સરકારે આ કેસની સીબીઆઇ તપાસ કરવાની ભલામણ કરી હતી. સીબીઆઇ અત્યાર સુધીમાં 14 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમા રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી અને સિદ્ધાર્થ પઠાણી સામેલ છે.
ડ્રગ્સનો એન્ગલ તપાસતી એનસીબી
ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતાએ તો રિયા ચક્રવર્તીની સામે જ કેસ કરીને તેણે સુશાંતને ખતમ કરી નાખ્યો હોવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે રિયા ચક્રવર્તી તેમના પુત્રને ઝેર આપતી હતી. રિયાએ તેમના આરોપો નકાર્યા છે, પરંતુ રિયાની ગોવાના હોટેલિયર સાથે થયેલી વાતચીતમાં ડ્રગ્સનો ઉલ્લેખ આવતા હવે બોલિવૂડ અને ડ્રગ પેડલર્સનો નવો એન્ગલ પણ આ કેસમાં ખૂલ્યો છે. તેના પગલે આ કેસમાં ઇડી અને સીબીઆઇ પછી નાર્કોટિક્સ બ્યૂરો (એનસીબી)ની ટીમ પણ સક્રિય બની છે.