પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગૌ-ધરામાં પોલીસની જાણ બહાર ફરી એકવાર જુગારની હાટડીઓ ધમધમી

  • રેન્જ આઈજી અસારીના આગમનના ફફડાટે જુગારીઆઓ સહિત આંક ફરકની ચોપડીઓ પણ ભુગર્ભમાં મુકાઈ ગઈ હતી.
  • ખાડી ફળીયા, જુના વેજલપુર રોડ પર પાના પત્તાના જુગારની હાટડીઓ તથા ગેમ્બલરોનો અડ્ડો કહેવાતા મેશરી નદી વિસ્તારમાં આંક ફરકની ચોપડીઓ ખુલ્લેઆમ ગોઠવાઈ હોવાની ચર્ચાઓ.
  • ગોધરા નગરમાં જુગારના અડ્ડાઓ અચાનક ચાલુ થઈ પડતા અસામાજિક તત્વો ગેલમાં. કોઈ વ્યાજે રૂપિયા લેવા તલપાપડ તો કોઈ રાત્રીનો કાળો ખેલ કરવાની પેરવીમાં.

ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી પાના પત્તાના જાહેરી જુગારના અડ્ડાઓ મી.ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ચોરી છુપે ચાલી રહ્યા હતા. જ્યારે આંક ફરકના જુગારની ચિઠ્ઠીઓ અદ્રશ્ય બની માત્ર વોટ્સએપના ભરોસે ચાલી રહી હતી. આ તમામ બાબતોમાં પંચમહાલ પોલીસ સતર્કતા દાખવી અવાર નવાર રેડ કરી જુગારીઓને કાયદાનો ભાન કરાવવા જેલના સળિયા ગણાવતી રહેતી હતી. જેના કારણે અસામાજિક પ્રવૃત્તિએ ટેવાયેલા જુગારીઓમાં પંચમહાલ પોલીસનો એવો ફફડાટ હતો કે ગત શ્રાવણ માસમાં જુગારીઓને પાના પત્તાનો ઉપવાસ કરવાનો વારો આવ્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અચાનક જ જુગારીઓને જાણે શકુનીનો વરદાન મળી ગયો હોય એમ પોલીસ પ્રસાસનની જાણ બહાર કોઈની પણ શહે શરમ વગર આંક ફરકના જુગાર સહિત પાના પત્તાના જુગારની હાટડીઓ ધમધમાવી બેઠા છે.

નગરમાં અચાનક ગોઠવાઈ ગયેલ જુગારની હાટડીઓને જોઈ નગર જનોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અમુક લોકો તો આશ્ચર્ય ચકિત થઈ વિચારી રહ્યા છે કે શું આ અસામાજિક તત્વ એવા જુગારીઓને ખબર નથી કે આજે પણ રેન્જ આઈ તરીકે પ્રામાણિત અને જનહિતના રક્ષક એવા અસારી હાજર છે, તેમજ જિલ્લા પોલીસ વડા તરીકે કર્મનિષ્ઠ એવા સોલંકીની ત્રીનેત્ર આજે પણ નગરમાં ચારેકોર ગોઠવાયેલી છે. ટૂંકમાં એવું કહી શકાય કે રેન્જ આઈજી અસારી અને જિલ્લા પોલીસ વડા સોલંકીની હાજરીમાં જુગાર ચલાવવુ મુશ્કેલ જ નથી નામુમકીન છે. માટેજ ગોધરાની જનતાને આજે પણ વિશ્વાસ છે કે આ તમામ જુગારની હાટડીઓ ટૂંક સમયમાં જ નેસ્તો નાબૂદ થઈ જશે.