ભારત ૨૦૨૭ સુધીમાં ચીન કરતાં પણ મોટું ઓટો ઉત્પાદક બની જશે: ગડકરી

પ્રાગ, પ્રાગમાં યોજાયેલી ૨૭મી વર્લ્ડ કોંગ્રેસમાં ભારતીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત ૨૦૨૭ના અંત સુધીમાં ચીનને પાછળ છોડીને વિશ્ર્વનું સૌથી મોટું ઓટો ઉત્પાદક બનવાનું આયોજન ધરાવે છે.

તેમણે વર્લ્ડ રોડ કોંગ્રેસ સમારંભ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણથી ચાર વર્ષમાં વિશ્ર્વના સૌથી મોટા ઓટો ઉત્પાદક બનવાનું આયોજન ધરાવે છે. આ દરમિયાન તેમણે દિલ્હીમાં રિંગરોડ પ્રોજેક્ટ ટુ શરૂ થવાના આયોજન અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રોડ આગામી બેથી ત્રણ મહિનામાં ખુલ્લો મૂકાશે.

માર્ગ અને પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર સાત ગણું વૃદ્ધિ પામ્યું છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટનું કદ નવ વર્ષ પહેલા ૪.૫ લાખ કરોડ હતું જે આજે વધીને ૧૨.૫ લાખ થયું છે. ભારત ગયા વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્ર્વના ત્રીજા નંબરનું ઓટોમોબાઇલ માર્કેટ બન્યું છે. ભારતથી આગળ હવે અમેરિકા અને ચીન જ છે.

ભારતમાં વિશ્ર્વના અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક બનવાની જબરજસ્ત ક્ષમતા છે. તેનું કારણ ભારત પાસે મજબૂત એન્જિનીયરિંગ ટેલેન્ટ, નીચો શ્રમ ખર્ચ અને સાનુકૂળ સરકારી નીતિઓ છે. તાજેતરમાં જ વૈશ્ર્વિક ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પણ ભારતમાં કાર પ્લાન્ટ સ્થાપવા વિચારી રહી છે. ચીનની ઇવી જાયન્ટ ભારતમાં એક અબજ ડોલરના ખર્ચે તેનો પ્લાન્ટ સ્થાપવા આયોજન કરી રહી છે. પણ બંને દેશો વચ્ચે સરહદ પરના તનાવના લીધે ભારતે તેની વિનંતી નકારી કાઢી છે.

કોરોનાની કટોકટીના પગલે ભારતમાં સર્જાયેલી સેમી કંડક્ટરની અછતની કટોકટીમાંથી ભારતનો ઓટો ઉદ્યોગ પૂર્વવત સ્થિતિમાં આવી ગયો છે. ઉત્પાદન, વેચાણ અને નિકાસ બધા મોરચે ભારતનો ઓટો ઉદ્યોગ મજબૂત સ્થિતિમાં છે.