હું ફક્ત ધારાસભ્ય બનવા નથી આવ્યો પણ પાર્ટી મોટી જવાબદારી સોંપશે: કૈલાશ વિજયવર્ગીય

ભોપાલ, મધ્યપ્રદેશ માં હાલમાં વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત તો થઈ નથી પરંતુ રાજકારણ અત્યારથી ગરમાયું છે. ખાસ કરીને મુદ્દો એ છે કે ભાજપ જીતે કે હારે… પણ મુખ્યમંત્રી કોણ બનશે? શું શિવરાજ સિંહ ચૌહાણને ફરી આ પદભાર સોંપાશે? કે પછી તેમની વિદાય નક્કી થઈ ગઈ છે. તાજેતરના શિવરાજ સિંહના કેટલાક ભાષણો જાણે તેઓ વિદાય જ લઈ રહ્યા હોય તેવા સંકેત આપી રહ્યા છે. આ દરમિયાન ભાજપના વધુ એક કદાવર નેતાએ આ ચર્ચાને વેગ આપી દીધો છે.

મધ્યપ્રદેશમાં હાલમાં સત્તાધારી પાર્ટી ભાજપે હાલ પૂરતું પીએમ મોદીને જ ચહેરા તરીકે આગળ ધરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સાથે જ કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહ્રાદ પટેલ અને ફગ્ગન સિંહ સહિત દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાને ઉતારી દીધા છે. હજુ સુધી સીએમ શિવરાજની ઉમેદવારીને લઈને સસ્પેન્સ યથાવત્ જ છે.

સીએમ શિવરાજની ઉમેદવારી તરીકે વાત કરીએ તો હવે તો ભાજપને સત્તામાં વાપસી કરવા ઉપર પણ શંકા થઈ રહી છે. સસ્પેન્સ વધતો જઈ રહ્યો છે. જોકે ભાજપ તરફથી એવા સંકેત છે કે શિવરાજ હાલ પૂરતાં તેમના માટે શુભ નથી. છેલ્લા કેટલાક દિવસોથી શિવરાજ પણ વિદાયના જ સંકેત આપી રહ્યા છે.

દરમિયાન કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદને ચર્ચાનું ચકડોળ શરૂ કરી દીધું છે. ઈન્દોર-૧ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે હું ફક્ત ધારાસભ્ય બનવા નથી આવ્યો પણ પાર્ટી મોટી જવાબદારી સોંપશે. વિજયવર્ગીયના આ નિવેદનથી જ અટકળો થવા લાગી છે કે શું ભાજપના નેતૃત્વએ શિવરાજને વિદાયનો સિગ્નલ આપી દીધો છે?