Kheda : કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ પણ તેને તકલીફોમાંથી મુક્તિ ન મળે તેવી ઘટના ખેડા જિલ્લામાં સામે આવી છે. ખેડા જિલ્લાના નડિયાદના (Nadiad) સુરાશામળ તાબેના ભગવાનપુરા વિસ્તારમાં તંત્રના પાપે લોકો અંતિમયાત્રા ગળાડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સ્મશાન માર્ગની (Cremation Road) ખરાબ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભગવાનપુરા ગામમાં મૃત્યુ બાદ અંતિમયાત્રાને સ્મશાનમાં લઈ જવા સારો રસ્તો જ નથી. જેથી અંતિમયાત્રાને ઝાડી જાખરાવાળા તેમજ પાણી ભરાયેલા રસ્તા પરથી કાઢવામાં આવી. એટલું જ નહીં રસ્તાની એવી હાલાત છે કે આકસ્મિક પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ પણ ગામ સુધી જઈ શકે તેમ નથી. સ્મશાન માર્ગની ખરાબ પરિસ્થિતિને કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. નડિયાદ તાલુકાનું અને મહુધા વિધાનસભામાં આવતા આ ગામની સમસ્યા કંઈ આજકાલની નથી. ગ્રામજનોનું કહેવું છે કે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાઈ નથી.
આ દ્રશ્યો સરકાર વિકાસના મોટા દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે. ગામમાં સ્મશાનગૃહ સુધી જવા માટે કે સારવાર માટે દર્દીને લઈ જવા સારા રસ્તા જ નથી. નડિયાદના સુરાશામળ તાબેના ભગવાનપુરા ગામમાં સ્મશાન માર્ગની ખસ્તા હાલતને કારણે અંતિમયાત્રા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ. અંતિમયાત્રાને ઝાડી જાખરાવાળા તેમજ પાણી ભરાયેલા રસ્તા પરથી કાઢવામાં આવી.આ પહેલા નવસારીના વાસંદાના ખાટા આંબા ગામમાં યુવકે ઝેરી દવા પી લેતા લોકો તેને દોઢ કિમી દૂર ઝોળીમાં નાંખીને લઈ ગયા હતા. ખરાબ રસ્તાને કારણે 108 આવી ન શકી અને સારવાર ન મળતા આ આશાસ્પદ યુવકનું મોત થયું હતુ.
રસ્તાની એવી હાલાત છે કે આકસ્મિક પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ પણ ગામ સુધી જઈ શકે તેમ નથી. બન્નેની ગામની સમસ્યા એક જ છે પરંતુ ઉકેલ આજદીન સુધી આવ્યો નથી,ત્યારે તંત્ર ગ્રામજનોની પીડા જોઈ કોઈ નક્કર કામગીરી કરે તે જરૂરી બન્યું છે.