
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં થઈ રહેલા આત્મઘાતી હુમલાઓને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને પ્રવાસીઓને દેશ છોડવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેના માટે છેલ્લી તારીખ ૩૧મી ઓક્ટોબર રાખવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી સરફરાઝ બુગતીએ આ અંગે કહ્યું કે, આ પગલું આતંકવાદ અને દાણચોરીમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં દસ્તાવેજો વગર જ રહેતા વિદેશી નાગરિકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે આવા વિદેશી નાગરિકોમાં લગભગ ૧૭ લાખ અફઘાનીસ્તાનના લોકોનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં માત્ર કરાચીમાંથી જ ૭૦૦ થી વધારે અફઘાની લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પણ ઘણા શહેરમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાનના કાર્યવાહક ગૃહ મંત્રી સરફરાઝ બુગતીએ આ મામલાને લઈને કહ્યું કે, આ નિર્ણય માત્ર અફઘાની લોકો માટે જ નથી. પરંતુ પાકિસ્તાનમાં રહેતા બધા જ ગેરકાયદે રહેતા પ્રવાસીઓ માટે લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મૂજબ દેશમાં જે હુમલાઓ થાય છે તે તાલિબાન સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ આતંકીઓને અફઘાનિસ્તાનમાં શરણ આપવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રજીસ્ટ્રેશન વગર રહેતા વિદેશી નાગરિકોને દેશ બહાર કાઢવાના અભિયાનમાં સૌથી વધારે અફઘાનીઓને નિશાન બનાવવામાં આવશે. બેઠકમાં આર્મી ચીફ જનરલ અસીમ મુનીર, સંઘ સરકારના મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાને ભાગ લીધો હતો.
પાકિસ્તાનના દૈનિક ‘ડોન’ અનુસાર, બેઠકમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની માલિકીના વ્યવસાયો અને સંપત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષમાં અફઘાન નાગરિકોને સંડોવતા અનેક આતંકવાદી હુમલાઓને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. બુગતીએ કહ્યું હતું કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં થયેલા ૨૪ આત્મઘાતી હુમલાઓમાંથી ૧૪ હુમલા અફઘાની નાગરિકોએ કર્યા છે.