ગરબા રમતા-રમતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજયું

સુરત, બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં ક્સરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે.

સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા ૨૮ વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે.

મળતી માહિતી અનુસાર, સુરતનો ૨૮ વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

એકના એક દિકરાનું ગરબાની પ્રક્ટિસ દરમિયાન અચાનક મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાજ નવરાત્રી બાદ ભણવા માટે લંડન જવાનો હતો. જોકે, તે પહેલા જ તેનું હદય થંભી જતા મૃત્યુ થયું છે.