અંબાજીમાં પ્રસાદ વિવાદ મામલે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરાઇ

અંબાજી, અંબાજીમાં પ્રસાદ વિવાદ મામલામાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ૩૦૦ ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. અંબાજી પોલીસે ઘી મામલે સમગ્ર તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. હવે અંબાજી પોલીસની આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદના ઘીમાં ભેળસેળ મુદ્દે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંબાજી પોલીસ દ્વારા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. નીલકંઠ ટ્રેડર્સે મોહિની કેટરર્સને ૩૦૦ ડબ્બા ઘી આપ્યું હતું. જો કે જતીન શાહ સામે ગુનો નોંધાયા બાદ તે ૨ દિવસથી ફરાર હતો. ત્યારે હવે આરોપી જતીન શાહની પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા છે.

અંબાજીમાંમોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો હતો. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી ૧૫ કિલોના ઘીના ૩ ડબ્બા કબ્જે કર્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના નિષ્ફળ જતા ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ પાસેથી પ્રસાદનો કોન્ટ્રાક્ટ પરત લઈ લેવામાં આવ્યો છે. પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સનું પેમેન્ટ અટકાવવામાં આવશે. મોહિની કેટરર્સે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પ્રસાદમાં વપરાયેલુ ઘી માન્ય ડેરીના બદલે નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદ્યું હતું. મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડર્સમાંથી ૩૦૦ ડબ્બા ઘી ખરીદ્યું હતું. ૩૦૦ માંથી ૧૨૦ ઘી ના ડબ્બાનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે અમૂલ બ્રાંડના ઘીના પ્રતિ ડબ્બાનો ભાવ રૂ.૯,૫૦૦ હતો. તેમજ નીલકંઠ ટ્રેડર્સમાંથી ૮,૬૦૦ના ભાવે મોહિની કટરર્સે ઘી ખરીદ્યું હોવાનું સામે આવ્યુ છે. સસ્તાની લ્હાયમાં અખાદ્ય ઘીનો પ્રસાદમાં ઉપયોગ કર્યો હતો.