બંગાળમાં ઈડી ત્રાટકી, ભરતી કૌભાંડમાં મમતા સરકારના મંત્રી રથિન ઘોષ પર દરોડા

 ઈડી (ED) એ પ.બંગાળ સરકારમાં મંત્રી રથિન ઘોષના ઘરે દરોડાની કાર્યવાહી કરી છે. આ દરોડા મધ્યમગ્રામ નગરપાલિકામાં કથિત ભરતી કૌભાંડ મામલે પડાયા હતા. પ.બંગાળની સાથે ઈડીએ આ કાર્યવાહી એવા સમયે કરી હતી જ્યારે આપ સાંસદ સંજય સિંહ સામે પણ કાર્યવાહીને લઈને ઈડી ચર્ચામાં છે. 

મમતા સરકારમાં મંત્રી રથિન ઘોષ મધ્યમગ્રામ નગરપાલિકાના પૂર્વ ચેરમેન છે. તેમના પર આરોપ છે કે તેમણે અયોગ્ય ઉમેદવારોને સરકારી નોકરીઓમાં ભરતી કરાવ્યા છે. તે માટે તેમને લાંચ અપાઈ. આ જ કારણ છે કે ઈડી એ આરોપોની તપાસ કરી રહી છે કે ઘોષ અને તેમના સહયોગીઓએ નોકરીના બદલામાં લાંચ લીધી છે કે નહીં. હાલ તપાસ ચાલી રહી છે અને કોઈ ધરપકડ નથી થઈ. 

બીજી બાજુ ડીએમકે સાંસદ એસ.જગતરક્ષકન ને ત્યાં પણ આઈટીના દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી અલગ અલગ જગ્યાઓ પર ઈડી-આઈટીના દરોડાની કાર્યવાહી થઇ રહી છે. ડીએમકે સાંસદ એસ.જગતરક્ષકન સામે ટેક્સચોરીનો આરોપ છે. આ મામલે તેમને ત્યાં દરોડાની કાર્યવાહી થઈ છે. 

અગાઉ ઈડીએ બુધવારે દિલ્હી લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને (Sanjay Singh) ત્યાં દરોડાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી. 

ઈડી બંગાળ સરકારમાં મંત્રી રથિન ઘોષના ઘર અને ઓફિસે દરોડાની કાર્યવાહી કરી છે. રાજધાની કોલકાતાથી લઈને ઉત્તર 24 પરગણા જિલ્લા સહિત 12 જગ્યાએ ઈડીની રેડ ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના મંત્રીને ત્યાં મની લોન્ડરિંગના કેસમાં દરોડા પડાયા છે.