મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ થવાથી પરિવારે એફઆઇઆર કરી,ડીન અને ડોક્ટર મુશ્કેલીમા

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની ડો. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં 31 દર્દીઓના મૃત્યુની બાબતમાં ડીન શ્યામરાવ વાકોડે અને હોસ્પિટલના એક ડોક્ટરને IPC 304 અને 34 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. આ જે દર્દીઓના મોત થયા છે, તેમાંથી 16 તો બાળકો હતા. જે પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે તે પરિવારે FIR નોંધાવી છે.

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે 11 બાળકોના મૃત્યુ થયા હતા, તે સમયે નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં 24 બેડની કાર્યક્ષમતાના મુકાબલામાં ICUમાં કુલ 65 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સિનિયર ડોક્ટરએ મંગળવારે આ જાણકારી આપી હતી. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે, 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે આ હોસ્પિટલમાં 12 બાળકો સહિત 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ હોસ્પિટલના એક સિનિયર ડૉક્ટરે મંગળવારે PTIને કહ્યું કે, જ્યારે 11 બાળકોના મૃત્યુ થયા હતા, તે સમયે NICUમાં 24 બેડ જ રાખવાની મંજૂરી હતી. પણ તેમાં રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા 65 હતી. નાંદેડ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. કિશોર રાઠોડે આ વાતને નકારી કાઢી હતી કે, બાળકોના મૃત્યુ પાછળ દવાઓની અછત સંભવિત કારણ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “NICUમાં થયેલા 11 મૃત્યુમાંથી, આઠ દર્દીઓ એટલે કે બાળકોને અન્ય હોસ્પિટલોમાંથી મોકલવામાં આવ્યા હતા, જેમને ખૂબ જ ગંભીર સ્થિતિમાં અહીં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. તેનું વજન એક કિલોગ્રામ કરતાં પણ ઓછું હતું.” તેણે કહ્યું કે આ હોસ્પિટલના અન્ય વોર્ડ – પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU) – 31 બેડની ક્ષમતા ધરાવે છે, પરંતુ ”અમે 32 દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.”