બાલાસિનોર, મહિસાગર જિલ્લામાં ફરજ સમયે ગુલ્લી મારી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જયારે આવા તલાટીઓ સામે ડીડીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયત અંતર્ગત ફરજ બજાવતા તલાટીઓ સામે પોતાના સેજા ઉપર ફરકતા ના હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ તલાટી પોતે સમયસર રોજમેળ અને ઠરાવબુકો લખતા ન હોવાની અનેક ફરિયાદો જિલ્લા કક્ષાએ થતાં મહિસાગર ડીડીઓ સી.એલ.પટેલ દ્વારા અનેક ગ્રામ પંચાયતોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાનો પરીપત્ર બહાર પડાયો હતો. જેમાં ટીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા મહિનામાં 5 ગ્રામ પંચાયતોની મુલાકાત લેવા સુચના આપવામાં આવી હતી. તલાટીઓની અનેક ગુલ્લેબાજી સામે આવતા ડીડીઓ સી.એલ.પટેલ દ્વારા જિલ્લામાંથી 35 જેટલા તલાટીઓના લોકેશન તપાસ્યા હતા. જયાં અનેક તલાટીઓ ગેરહાજર માલુમ પડતા 10 ગુલ્લેબાજ તલાટીઓઓના પગાર કાપી નાંખવામાં આવ્યા હતા.