
કાલોલ,
કાલોલ નગર વિસ્તાર પાસેથી પસાર થતી ગોમાનદીમાં ઘણાં લાંબા સમયથી ખનિજ માફીયાઓ દ્વારા બેફામ રીતે રેતીનું ખનન સ્થાનિક તંત્ર અને ખનીજ વિભાગની આંખમાં ધુળ નાખવામાં ખનિજ માફીયાઓ માહીર હતાં. પરંતુ ગોધરા ખાણ ખનિજ વિભાગે કાલોલ દોલતપુરા ગોમા નદીમાં ખનન કરતા ખનિજ માફીયાઓ સામે લાલ આંખ કરતાં શુક્રવારની વહેલી સવારે ગોમા નદીના પટમાં અચાનક ત્રાટકી પડતાં બે ટ્રેક્ટરો ઝડપી પાડ્યાં હતાં. બંધ ટ્રેક્ટરના માલિકો દ્વારા કોઈ પણ પ્રકારની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી પોતાના જીવનમાં હરીયાળી કરતાં હોય તેવું લાગી રહ્યું છે.
ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ખનિજ માફીયાઓના ટ્રેક્ટરો ઝડપી પાડતાં માફીયાઓના વચોટીયાઓ નદીનાં પટમાં દોડી જઇ કાલાવાલા કરવાં છતાં ખનિજ વિભાગના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની લોક ચર્ચાઓ કાલોલ નગરમાં ફેલાઈ હતી. આખરે ખાણ ખનિજ વિભાગ દ્વારા અંદાજીત દશ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાલોલ મામલતદાર કચેરી ખાતે બંને ટ્રેક્ટર સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનન થયેલા સ્થળનું ચોક્કસપણે માપ લઈને ખનિજ માફીયાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.