એરફોર્સને પહેલું એલસીએ તેજસ મળ્યું :હળવા વજનનું ટ્વિન સીટર એરક્રાફ્ટ: દરેક મોસમમાં ઊડાન ભરવા સક્ષમ

બેંગલુરુ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)એ બુધવારે પ્રથમ ટ્વિન-સીટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ ભારતીય વાયુસેનાને સોંપ્યું. આનો ઉપયોગ તાલીમ માટે કરવામાં આવશે. તે વજનમાં હલકું છે અને દરેક હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. ભારતીય વાયુસેનાએ એચએએલને ૧૮ ટ્વીન સીટર એરક્રાફ્ટ નો ઓર્ડર આપ્યો છે. જેમાંથી ૮ આવતા વર્ષ સુધીમાં આપવામાં આવશે. બાકીના ૧૦ એરક્રાફ્ટ ૨૦૨૬-૨૭ સુધીમાં ઉપલબ્ધ થશે.ભારતીય સેના પાસે એલસીએ તેજસ, માર્ક-૧એનું એડવાન્સ વર્ઝન પણ છે. આ એક ફાઈટર જેટ છે. જે ૨૨૦૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ૬ પ્રકારની મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે.૩૦ જુલાઈના રોજ, વાયુસેનાએ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા એરબેઝ પર હળવા લડાયક વિમાન તેજસ એમકે-૧ તૈનાત કર્યા હતા. સેનાનું કહેવું છે કે તેના પાયલોટ ખીણમાં ઉડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.કાશ્મીર પડોશી દેશો ચીન અને પાકિસ્તાન પ્રત્યે સંવેદનશીલ છે. તેજસ એમકે ૧ એક મલ્ટિરોલ ફ્લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ છે જે કાશ્મીરના જંગલ અને પહાડી વિસ્તારોમાં એરફોર્સને વધુ મજબૂત બનાવશે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં ૩૧ તેજસ વિમાન છે. સેના ભૂતકાળમાં તેના વિમાનોને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ લઈ જતી રહી છે, જેથી તેઓ હિમાલયની ખીણોમાં ઉડવાનો અનુભવ મેળવી શકે.

વિશેષતાઓને કારણે તેજસ અન્ય ચાર ફાઈટર જેટથી અલગ અને ખાસ છે…પહેલું : આ એરક્રાફ્ટ ના ૫૦% ઘટકો એટલે કે મશીનરી ભારતમાં જ બનાવવામાં આવી છે. બીજું : તેમાં ઇઝરાયેલનું ઇએલ એમ-એમ ૨૦૫૨ રડાર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આની મદદથી તે એક્સાથે ૧૦ ટાર્ગેટને ટ્રેક કરવા અને ટાર્ગેટ કરવામાં સક્ષમ છે.ત્રીજું : ખૂબ જ ટૂંકી જગ્યા એટલે કે ૪૬૦ મીટર રનવે પર ટેક ઓફ કરવાની ક્ષમતા. ચોથું : આ ફાઈટર જેટ સુખોઈ, રાફેલ, મિરાજ અને મિગ કરતા હળવા છે. તેનું વજન ૬૫૦૦ કિગ્રા છે.

છેલ્લા પાંચ દાયકામાં ૪૦૦થી વધુ મિગ-૨૧ એરક્રાફ્ટ ના ક્રેશને કારણે ભારત સરકાર તેને બદલવા માંગતી હતી. તેજસે આ મિગ-૨૧ને બદલવામાં સફળતા મેળવી છે. આ એરક્રાફ્ટ ના ઓછા વજનને કારણે તે દરિયાઈ જહાજો પર પણ સરળતાથી લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે. આટલું જ નહીં તેની હથિયાર વહન કરવાની ક્ષમતા મિગ-૨૧ કરતા બમણી છે. તેજસની ઝડપ ૨૨૦૫ કિલોમીટર પ્રતિ કલાક છે. જે રાફેલ કરતા ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાક વધુ છે.