
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે આજે વહેલી સવારે EDએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દિલ્હીની વિવાદિત લીકર પોલિસી મામલે પાડવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે બીજેપીએ આમ આદમી પાર્ટીને ઘેરતા કહ્યું કે, આ લીકર પોલીસી કૌભાંડ દિલ્હીના મુખ્યમંત્રી અંરવિંદ કેજરીવાલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો છે. સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોરાએ પણ આ વાત સ્વીકારી છે. મુખ્યમંત્રી આવાસ પર વસૂલી કરવામાં આવતી હતી.
બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, લીકર પોલીસી કૌભાંડ વિશે જનતા જાણી ચૂકી છે કે, અરવિંદ કેજરીવાલની દેખરેખમાં જ તેને અંજામ આપવામાં આવ્યો છે. આરોપી દિનેશ અરોરાએ કબૂલ કર્યું છે કે, દિલ્હીના સીએમ આવાસ પર બેઠકો થતી હતી. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલના ઈશારા પર જ સંજય સિંહે પાર્ટી ફંડમાં 32 લાખ રૂપિયા આપવાની વાત કહી હતી. સીએમ આવાસ પર બેઠક કરીને એક સાંસદના 32 લાખ રૂપિયાની લાંચને ચેક દ્વારા લેવાની વાત કહી હતી.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના કહેવા પર એક સાંસદ વસૂલી કરે છે. આ ખૂબ જ ચિંતાજનક વાત છે. ચિંતાની વાત એ છે કે, આ લોકો પોતાને ‘આમ આદમી’ ગણાવે છે. તેમણે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહને કેજરીવાલના જમણો અને ડાબો હાથ ગણાવ્યા હતા. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, જમણો હાથ છેલ્લા સાડા સાત મહિનાથી જેલમાં છે જ્યારે ડાબો હાથ આજે દરોડા બાદથી ડરી ગયા છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, જેમ જેમ કડીઓ જોડાઈ રહી છે તેમ તેમ હાથકડી અરવિંદ કેજરીવાલની નજીક આવી રહી છે. કેજરીવાલના ઈશારે જ દિલ્હીમાં લીકર પોલીસી કૌભાંડ થયો છે. તેમણે કહ્યું કે, કાયદાથી ઉપર કોઈ નથી, પછી ભલે તે ગમે તેટલા ઉચ્ચ પદ પર કેમ ન બેઠા હોય. ગૌરવ ભાટિયાએ કહ્યું કે, અમારી માંગ છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. અને જો તેઓ પ્રેસ કોન્ફરન્સ નહીં કરશે તો અમે માની લઈશું કે, તેઓ આ કૌભાંડમાં સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલે જે ભ્રષ્ટાચાર કર્યો છે તેનાથી તેમને કોઈ બચાવી ન શકે.