અંબાજી મંદીર ખાતે પ્રસાદીમાં ભેળસેળ કરનાર સામે ગુનો નોંધી તપાસ કરવા પાટણ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યા

અંબાજી મંદીર ખાતે પ્રસાદીમાં ભેળસેળ કરનાર વિરુધ્ધ ગુનો નોંધી પાસાની કાર્યવાહી કરવા પાટણ ધાર સભ્ય કિરીટ પટેલએ મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અંબાજી ખાતે મા અંબાના પવિત્ર ધામમાં લાખો લોકોના આસ્થાના પ્રતિક મા અંબાના મંદિરમાં મોહનથાળ ના પ્રસાદમાં નકલી ઘીની ભેલશેળ ના સમાચાર જાણી મને દુઃખ સાથે આંચકો પણ લાગ્યો. મારા જેવા લાખો કરોડો માઈ ભક્તોને પણ આવી જ અત્યંત દુખદ વેદના થઇ હશે જ.

આપ તો દાદા ભગવાનના સેવક છો અને સાથે સાથે અત્યંત સંવેદનશીલ પણ છો જે હું સારી રીતે જાણું છું,ત્યારે મા અંબાના ધામમાં લોકોની આસ્થા, ભરોસો અને શ્રદ્ધા સાથે ચેડા કરી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવા, આ એજન્સીનો કરાર રદ કરી અને જવાબદાર તમામ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા સુચના આપવા વિનતી જેથી ભવિષ્યમાં પણ લોકોની આસ્થા, ભરોસો અને શ્રદ્ધા સાથે ચેડા કરવાની કોઈ હિંમત ના કરે અને એક ઉત્તમ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા ધારા સભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું.