ભાવનગરમાં વરલી-મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ત્રણ પૈકી બે શખ્સો ઝડાપાયા, ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ત્રણ શખ્સો સરાજાહેર જુગારના શોખીનો પાસેથી પૈસા લઈ વરલી-મટકાનો જુગાર રમાડતા હતા. જે અંગે એલસીબીએ રેડ કરી ત્રણ પૈકી બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે ફરાર શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ મહુવા શહેરમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહુવા-નેસવડ રોડપર આવેલ ઉદ્યોગનગરમા છત્તરીયાના કારખાના પાસે ત્રણ શખ્સો જુગારના શોખીનો પાસેથી પૈસાની આપ-લે કરી વરલી-મટકાના આંકડા લઈ જુગાર રમાડે છે જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતાં સ્થળપર હાજર ત્રણ પૈકી એક શખ્સ ફરાર થઈ ગયો હતો, જયારે બે શખ્સો વરલી-મટકાના જુગારનુ સાહિત્ય તથા બે મોબાઈલ અને રોકડ રકમ સાથે ઝડપાયા હતા.

​​​​​​​આ શખ્સોના નામ-સરનામા અંગે પુછતાછ કરતાં શખ્સોએ પોતાના નામ જીતુ પરશોત્તમભાઈ વાળા ઉ.વ.52 રે.પંડ્યા શેરી મહુવા તથા કિશોર જેન્તિભાઈ વાળા ઉ.વ.42 રે.લુહાર શેરી મહુવા વાળા હોવાનું જણાવેલ તથા ફરાર થઈ ગયેલ શખ્સ માહિર અબ્દુલકાદર મોરખ રે.નવા ઝાંપા મહુવા વાળો હોવાનું જણાવેલ આ બનાવમાં પોલીસે બંને શખ્સો પાસેથી બે મોબાઈલ તથા જુગારનુ સાહિત્ય અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.31,400 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ મહુવા સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ હેઠળ ફરિયાદ નોંધાવી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.