
- ૧૦૦૦ દરોડા પડ્યા પણ કાંઈ મળ્યું નહીં, લોક્સભા ચૂંટણી પહેલાં દરોડા વધશે : કેજરીવાલ
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીએ દરોડા પાડયા હતાં ટીમ બુધવારે સવારે ૭ વાગે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી જણાવવામાં આવી રહ્યું છે કે એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં લગભગ ૭-૮ અધિકારીઓ તપાસ કરી છે. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. ઈડીની કાર્યવાહી અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- આ કેસમાં ૧૦૦૦ દરોડા પાડવામાં આવ્યા છે. સંજય સિંહના ઘરેથી કંઈ નહીં મળે. ૨૦૨૪ની ચૂંટણી આવી રહી છે અને તેઓ જાણે છે કે તેઓ હારી જશે. આ તેમના ડરાવવાના પ્રયાસો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ઈડી, સીબીઆઇ જેવી તમામ એજન્સીઓ સક્રિય થશે.જયારે સંજય સિંહના પિતાએ કહ્યું હતું કે વિભાગ પોતાનું કામ કરી રહ્યું છે આ દરોડા દિલ્હીના નોર્થ એવન્યૂ ખાતે રાજ્યસભા સાંસદના સરકારી નિવાસે પાડવામાં આવ્યા હતા. પત્રકારો દ્વારા દીકરાના ઘરે ઈડીની કાર્યવાહી વિશે સવાલ કરવામાં આવતા તે કેન્દ્ર સરકાર સામે ભડક્યાં હતાં. તેમણે કહ્યું કે મણિપુર પર કાર્યવાહી નહીં કરી શકે સરકાર અને સંજય સિંહને સસ્પેન્ડ કરી દેવાશે. આ બદલાની કાર્યવાહી નથી તો બીજું શું છે? વિભાગ તેની કાર્યવાહી કરી રહ્યું છે. અમે તેમને સહયોગ કરીશું. હું એ સમયની રાહ જોઈશ જ્યારે તેમને ક્લિયરન્સ મળશે.
આ પહેલાં ૨૪ મેના રોજ ઈડીએ આ જ કેસમાં સંજય સિંહના નજીકના સંબંધીઓ પર દરોડા પાડ્યા હતા. ત્યારે સંજય સિંહે કહ્યું હતું કે- મેં સમગ્ર દેશની સામે ઈડીની નકલી તપાસનો પર્દાફાશ કર્યો. આજે ઈડીએ મારા સાથીદારો અજીત ત્યાગી અને સર્વેશ મિશ્રાના ઘરો પર દરોડા પાડ્યા છે. સર્વેશના પિતા કેન્સરથી પીડિત છે. આ ગુનાઓની પરીક્ષા છે. ગમે તેટલા ગુના કરો, પરીક્ષા ચાલુ જ રહેશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઈડીએ તેમની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું. આ અંગે સંજય સિંહે ભારે હોબાળો મચાવ્યો હતો. હકીક્તમાં મે મહિનામાં સંજય સિંહે દાવો કર્યો હતો કે ED એ ભૂલથી તેમનું નામ જોડી દીધું હતું. જેના જવાબમાં ઈડીએ કહ્યું કે, અમારી ચાર્જશીટમાં ચાર જગ્યાએ સંજય સિંહનું નામ લખવામાં આવ્યું છે. આ ત્રણ જગ્યાએ નામની જોડણી સાચી છે. માત્ર એક જ જગ્યાએ ટાઇપિંગની ભૂલ હતી.
ઈડીની ચાર્જશીટમાં સંજય સિંહ પર ૮૨ લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. આ અંગે ED બુધવારે એટલે કે આજે તેમના ઘરે પહોંચી અને તેમની પૂછપરછ કરી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ED ની બીજી પૂરક ચાર્જશીટ ૨ મેના રોજ બહાર પાડવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સામે આવ્યું હતું. જોકે તેને આરોપી બનાવવામાં આવ્યો નથી.
દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી દિલ્હી સરકારે આવકમાં વધારાની સાથે માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી, પરંતુ થયું કઇંક ઊલટું. દિલ્હી સરકારને આવકનું નુક્સાન થયું. જુલાઈ ૨૦૨૨માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એલજીએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત ૧૫ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૨૨ ઓગસ્ટે ED એ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. અગાઉ પણ આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતા તપાસ એજન્સીઓના રડાર પર આવી ચૂક્યા છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે ગત વર્ષે મેમાં આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. હાલ તે બીમારીને લીધે સુપ્રીમકોર્ટથી વચગાળાના જામીન મળ્યા બાદ જામીન પર મુક્ત છે.
દરમિયાન આ દરોડાને લઈને સંજય રાઉતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું ભાજપ ઈડી અને સીબીઆઇના ઉપયોગથી રાજનીતિ કરીને ૨૦૨૪ની ચૂંટણી જીતવા માંગે છે. ભાજપ બધા વિપક્ષી નેતાને હેરાન કરવા માટે ઈડી અને સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે. તેમણે પહેલા અભિષેક બેનર્જીને હેરાન કર્યા અને હવે તે સંજય સિંહને હેરાન કરી રહ્યા છે પરંતુ આનાથી કઈ જ હાંસલ કરી શક્શે નહીં. સંજય સિંહ એક સાંસદ છે અને નિડર પત્રકાર છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.